Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનો વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ સકારણ પટમાં આવ્યો હોય તેમ લાગે છે, અને અલગ અલગ કાર્યક્રમો આપવાની શરુઆત મનપા ખાતે કરી છે, એવામાં આજે વધુ એક વખત શહેરમાં ચાલતા વિકાસકામોમાં ટકાવારીને લઈને કોંગ્રેસે મનપા કચેરી ખાતે શરીરે બેનરો પહેરી અને વિકાસના કામોમાં 40% કમિશન કોનું તેવો સવાલ ઉઠાવતા બેનરો પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો…
વિપક્ષનો આરોપ છે કે રંગમતી નદીને ઉંડી ઉતારવા વગર ટેન્ડરે રૂપિયા 8.50 કરોડ થી વધુ જે સ્ટે-કમિટીએ મંજુર કરેલ છે. અને તેમાં ટેન્ડર બહાર પાડવામાં આવેલ નહી. લાગતા-વળગતાને મોટા લાભ કરાવવા તમામ નિયમોને નેવે મુકીને પોતાની ઘરની પેઢી હોય તેમ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલ છે. જેની વિજીલન્સ તપાસ થવી જોઈએ વિપક્ષ તો ત્યાં સુધી કહે છે કે આ કામમાં સતાધારી પાર્ટીના અંગત લોકોને ફાયદો કરાવવા માટે ટેન્ડર બહાર પાડેલ નથી અને ગેરરીતી થયેલ છે.
આ ઉપરાંત વિપક્ષે ભૂગર્ભ ગટરનું વોર્ડ નં.6, 7, 11, 12 અને 16 માં જે એજન્સીએ કામ કરેલ છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે અને આ વિસ્તારોમાં ચાલી રહેલ ભૂગર્ભના કામમાં પણ સતાધારી પાર્ટીના નેતા ભાગીદારમાં હોય. અને તેમાં સંડોવાયેલા હોય જેથી મનફાવે તેવું કામ કરનાર આ એજન્સી વિરુધ્ધ અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને રાજકીય ઈશારે આ એજન્સીને છાવરવામાં આવી રહી છે,
આવા મહત્વના કામોમાં જામનગર મહાનગરપાલિકાના કેટલાક ઈજનેરો મિલાપી થઈ ગયેલા છે, જેથી સ્થળ ઉપર કોઈ નિરિક્ષણ કરતા નથી, ખોટા બીલો મુકે છે. અને કરોડો રૂપિયા પ્રજાના પાણીમાં જાય છે. અને આ એજન્સી વિરુદ્ધ ક્યાં કારણોસર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? જામનગર મહાનગરપાલિકા દ્વારા આટલી ફરિયાદો હોવા છતાં આ એજન્સીને કોઈ નોટીસ કે દંડ કરવામાં આવતો નથી. જે બાબત પણ શંકા ઉપજાવનારી છે.આજે વિપક્ષના આગેવાનો અને કાર્યકરો આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત અર્થે પહોચ્યા હતા પણ ચેરમેન હાજર ના હોય તેમના દરવાજે આવેદનપત્ર ચોટાડી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.