Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં પાંચ મોટાં શહેરો (જિલ્લામથક) એવાં છે જે રાજ્યમાં સૌથી વધુ બ્લડબેન્ક ધરાવે છે. આ પાંચ જિલ્લાઓમાં જામનગર શહેરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ 178 બ્લડબેન્ક છે. જો કે, 13 જિલ્લાઓ એવાં પણ છે જ્યાં એક પણ બ્લડબેન્ક નથી !! ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં આ પ્રશ્ન પૂછ્યો હતો. જેનાં જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 178 બ્લડબેન્ક છે. જે પૈકી સૌથી વધુ બ્લડબેન્ક અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં છે. વિધાનસભા ગૃહમાં વધુમાં કહેવાયું કે, રાજ્યનાં 13 જિલ્લાઓમાં એક પણ બ્લડબેન્ક નથી.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એવી છે કે, દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બ્લડબેન્ક હોવી જોઈએ. પરંતુ ગુજરાતમાં ભારત સરકારની આ ગાઈડલાઈનનો ઉલાળિયો થયેલો જોવા મળી રહ્યો છે ! કલ્પના કરો, જે 13 જિલ્લાઓમાં એક પણ બ્લડબેન્ક નથી, તે જિલ્લાઓમાં લોકો ઈમરજન્સી સ્થિતિમાં કેવાં પરેશાન થતાં હશે ?!! નવસારી, અમરેલી, તાપી, આણંદ અને ગીર સોમનાથ સહિતના તેર જિલ્લાઓમાં એક પણ બ્લડબેન્ક નથી ! નવસારી 25 વર્ષથી જિલ્લામથક છે. 14 વર્ષથી CR પાટિલ અહીં સાંસદ છે. આ વિગતો પણ બ્લડબેન્કની વિગતો સાથે શેયર થઈ રહી છે.