Mysamachar.in:જામનગર
અમદાવાદ સહિત રાજ્યભરમાં કેટલાંક શહેરોમાં લોકોને ગરમીની ભઠ્ઠીનો અનુભવ થશે, એ મતલબની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ તેની સરખામણીમાં જામનગરમાં હજુ સુધી તો ગરમીમાં રાહતનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આગાહી મુજબ, આગામી 48 કલાક અને ત્યારપછી પણ મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઉંચુ નોંધાઈ શકે છે.
પાછલાં એક સપ્તાહની વાત કરીએ તો જામનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં 1.5 ડીગ્રીનો અને મહત્તમ તાપમાનમાં 2.0 ડીગ્રીનો જમ્પ આવ્યો છે. ખાસ કરીને સવારે નવેક વાગ્યાથી જ વાતાવરણ ગરમ બનવા માંડે છે. બપોરે 12:00 થી 04:00 દરમિયાન શહેરમાં ટ્રાફિક પણ પાંખો બની જાય છે. અગત્યનાં કામો સિવાય નગરજનો બહાર નીકળવાનું પણ ટાળે છે. જો કે, પાછલાં એક સપ્તાહમાં ભેજના પ્રમાણમાં ખાસ ઘટાડો નોંધાયો નથી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 થી 86 ટકા આસપાસ રહેતું હોય લોકો સવારે 9 થી સાંજે 6 દરમિયાન બફારો જરૂર અનુભવે છે પરંતુ આ વર્ષે હજુ સુધી ભેજના કારણે લૂ શરૂ થવા પામી નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે પછી લૂ ફૂંકાશે એમ લાગી રહ્યું છે. બીજી તરફ અમદાવાદ અને અન્ય કેટલાંક શહેરોમાં યલો તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે લૂ ની આગાહી પણ છે. અને, મહત્તમ તાપમાન આ શહેરોમાં 43 ડીગ્રીનો અંક વટાવી શકે છે એમ પણ હવામાન વિભાગ જણાવે છે.