Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા બન્ને એક જીલ્લો હતો ત્યારે ભાણવડ અને કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં બોક્સાઈટ ચોરીનું પ્રમાણ ખુબ મોટું હતું, હજુ ચાલુ જ છે પણ હવે તે દ્વારકા જીલ્લાનો ભાગ છે, પણ બન્ને જીલ્લાઓ અલગ થયા બાદ જામનગર જીલ્લામાં હવે બોક્સાઈટ સહિતની ખનીજ હવે બહુ માત્રામાં નથી, પણ રેતીચોરી અને તેમાય ખાસ કરીને ધ્રોલ અને જોડિયા અને તે બાદ જામનગર તાલુકાના કેટલાક ગામોમાં રેતીચોરોએ માજા મૂકી છે. છાસવારે રેતીચોરીના ડખાઓ થાય છે, અને ક્યારેક હુમલા ક્યારેક ફાયરીંગ ક્યારેક હત્યા તો ક્યારેક ધમકી સુધીના બનાવો રેતીચોરીને લઈને બને છે,
કેટલાક સ્થળોએ રાજકીય આકાઓના ટેકેદારો પણ રેતીચોરીમાં સંડોવાયેલા હોવાનું સાંભળવા મળે છે, માટે આવા ખનીજચોરોને કોઈના બાપનો ડર હોતો નથી…છેલ્લા એક જ મહિનામાં જામનગર જીલ્લામા રેતીચોરીને મામલે બે હત્યાના બનાવોએ કોઈ સામાન્ય ઘટના ના કહી શકાય..અને હવે તંત્ર માટે આ કસોટી છે કે જામનગર જીલ્લામાં જે જગ્યાએ રેતીચોરીના આવા રેકેટ ચાલી રહ્યા છે તેવા તેના પર તવાઈ બોલાવી આવા તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને જો આવું નહિ થાય તો જીલ્લામાં રેતીચોરીના રેકેટમાં સામસામા જૂથો લડતા રહશે અને આવી ઘટનાઓ રોજીંદી બની જશે.
-ક્યાં ક્યાં વિસ્તારોમાં ચાલે છે રેતીચોરીના રેકેટ
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મજોઠ, લખતર, આણદા, કુન્નડ, ડોબર વિસ્તાર, બાલંભા, મોરાણા, પીઠડ, તો ધ્રોલ તાલુકાના નથુવડલા ખીજડીયા સહિતના ગામો તો જામનગર તાલુકાના કેટલાય ગામોમાં તંત્રની મીઠી નજર હેઠળ રેતીચોરીના રેકેટ દિવસે ને દિવસે ફૂલીફાલી રહ્યા છે.