Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓમાં વસૂલવામાં આવતી ફી નો મુદ્દો કાયમ ચર્ચાસ્પદ અને સંવેદનશીલ રહ્યો છે. આ માટે ફી નિર્ધારણ કરવા સરકાર દ્વારા FRC (fee regulation committee)ની રચના કરવામાં આવે છે. રાજ્યના અલગઅલગ ઝોન માટે અલગઅલગ કમિટી હોય છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાની કમિટીનો રાજકોટ ઝોન તરીકે ઉલ્લેખ થાય છે. આ રાજકોટ ઝોન કમિટીમાં આ વખતે પ્રથમ વખત જામનગરને પણ સભ્યપદ પ્રાપ્ત થયું છે.
રાજકોટ સહિત રાજ્યના તમામ FRC ઝોન માટે અધ્યક્ષ અને સભ્યોના નામોની જાહેરાત થઈ છે. રાજકોટ ઝોનમાં સૌરાષ્ટ્રની આશરે 5,500 શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં રાજ્ય શિક્ષણ બોર્ડની શાળાઓ ઉપરાંત CBSE તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી શાળાઓનો સમાવેશ થતો હોય છે. દરેક ઝોનમાં FRC ચેરમેન તરીકે નિવૃત ડિસ્ટ્રિક્ટ જજ હોય છે. આ ઉપરાંત ચાર-ચાર સભ્યો હોય છે.

રાજકોટ સહિત બધાં ઝોનમાં ઘણાં સમયથી અધ્યક્ષ અને સભ્યોની ઘણી જગ્યાઓ ખાલી હતી. જેને કારણે ખાનગી શાળાઓની ફી ના ધોરણો અંગે ઘણાં પ્રકારની લાલિયાવાડીઓ ચાલતી હતી. આથી સરકારમાં ઘણી ફરિયાદો પહોંચી હતી, અસંતોષ અને નારાજગી હતી તથા સરકારની જાહેર માધ્યમોમાં ટીકાઓ પણ થતી હતી. તથા, ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ મામલે કામગીરીઓ જાણે કે ઠપ્પ થઈ ગઈ હતી.
સરકારે કરેલી જાહેરાત મુજબ, રાજકોટ FRC ઝોન ચેરમેન તરીકે નિવૃત ડિસ્ટ્રિક્ટ મહિલા જજ પી.જે. અગ્રાવતની નિમણૂંક થઈ છે. અને સભ્યો પૈકી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ, શિક્ષણશાસ્ત્રી તરીકે મુકુંદરાય ચંદુલાલ મહેતા, સિવિલ ઈજનેર તરીકે પ્રવિણ એલ. વસાણિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હાર્દિક હર્ષદભાઈ વ્યાસની નિયુક્તિ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પી.એલ.વસાણિયા જામનગર મહાનગરપાલિકાના નિવૃત ઈજનેર છે.(symbolic image source:google)