Mysamachar.in-રાજકોટ:
ઘણાં લાંબા સમય બાદ જામનગર શહેરમાં આવકવેરા તંત્રએ કામગીરીઓ શરૂ કરી છે, સૂત્રના જણાવ્યા અનુસાર જામનગર અને અમદાવાદમાં નમકના ઉત્પાદકો અને મોટા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ ‘મહેમાન’ બન્યો છે.અને સર્ચની કાર્યવાહી ચાલી રહી છે.
આજે સવારે મળેલી વિગતો અનુસાર, આવકવેરા વિભાગની રાજકોટ તથા અમદાવાદની કચેરીઓના અધિકારીઓની ટૂકડી દ્વારા આ સર્ચ અને દરોડાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ અધિકારીઓએ જામનગર અને અમદાવાદ ઉપરાંત મોરબી જિલ્લાના માળિયા પંથકમાં પણ દરોડાની કામગીરીઓ ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

વર્તુળોએ જણાવ્યું છે કે, જામનગરની દેવ સોલ્ટ નામની કોઈ પેઢી મોરબીના માળિયામાં પણ બિઝનેસ હાઉસ ધરાવતી હોય, આ ટૂકડીએ જામનગર, માળિયા તથા અમદાવાદના મીઠાના મોટા બિઝનેસ હાઉસ પર આ કામગીરીઓ શરૂ કરી છે. એમ કહેવાય છે કે, માર્ચ અંત પહેલાં આ વ્યવસાયમાં ચોક્કસ પ્રકારની હલચલ શરૂ થઈ હોવાની બાતમી અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી, જે અનુસંધાને દરોડાની આ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આવકવેરા વિભાગે આ કામગીરીઓ અંગે કોઈ જ જાહેરાત કરી ન હોવાનું સૂત્ર કહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર, કચ્છ અને ગુજરાત દેશભરના નમક વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.