Mysamachar.in:ગાંધીનગર
જામનગરથી માંડીને છેક પાટનગર ગાંધીનગર સુધી સર્વત્ર વ્યાજખોરી વિરૂદ્ધની ઝૂંબેશ ચર્ચામાં છે. ફરિયાદો, ધરપકડો અને ઝૂંબેશના બીજાં તબક્કામાં પોલીસ દ્વારા આયોજિત લોનમેળાઓ સમાચારોમાં ચમકે છે. એવા સમયે, વ્યાજખોરી વિરૂદ્ધની ઝૂંબેશનો આ મુદ્દો વિધાનસભાગૃહમાં ગૃહમંત્રી સમક્ષ સાવ જુદી રીતે આવ્યો ! ગૃહમંત્રીએ આ સમયે મૌન રહેવાનું પસંદ કર્યું ! તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટસત્ર ચાલી રહ્યું છે. ગત્ સપ્તાહમાં સત્રમાં ચર્ચાઓ દરમિયાન ગૃહમંત્રી ગૃહ સમક્ષ પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતાં ત્યારે BJPના એક ધારાસભ્યએ ગૃહમંત્રીને એમ પૂછી લીધું કે, સરકારે વ્યાજખોરી વિરુદ્ધ ઝુંબેશ શા માટે ચાલુ કરી ?!
આ ધારાસભ્ય પ્રશ્ન પૂછવામાં કોઈ ભૂલ કરી બેઠાં હશે. અથવા, જે હોય તે, પરંતુ પોતાના જ પક્ષનાં ધારાસભ્યના આ પ્રશ્નનો જવાબ આપવાનું ગૃહમંત્રીએ ટાળી દીધું હતું. આ ચર્ચા દરમિયાન કોન્ગ્રેસનાં એક ધારાસભ્યએ એવી કોમેન્ટ કરી હતી કે, ‘કાપલી ધારાસભ્ય’એ સિલેબસ (અભ્યાસક્રમ)ની બહારનો પ્રશ્ન પૂછી લીધો ! આ કોમેન્ટને કારણે ગૃહમાં હાસ્ય સર્જાયું. શાસકપક્ષના સભ્યની ભૂલને કારણે આ હાસ્ય સર્જાતાં આ આખો મુદ્દો Humour of error તરીકે પાટનગરમાં ચર્ચાયો.