Mysamachar.in:ગાંધીનગર
લવ અને મેરેજ ઘણાં બધાં લોકોનાં મતે અલગ બાબત છે. અને, ઘણાં બધાં લોકો એમ પણ માને અને મનાવે છે કે, પ્રેમ શરૂઆત છે, લગ્ન એનાં પછીનો તબક્કો છે. તો ઘણાં લોકો વળી એમ પણ લખતાં હોય છે કે, પ્રેમની ગેરહાજરીમાં અસંખ્ય લગ્નો થતાં રહે છે ! પ્રેમ અને લગ્ન એ એવાં વિષયો છે જે સદીઓથી ચર્ચાઈ રહ્યા છે, સદીઓ સુધી ચર્ચાઓ ચાલતી રહેશે ! લવમેરેજ શબ્દ ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ પહોંચ્યો છે. ધારાસભ્યો લવમેરેજની ચર્ચા કરે છે.
શાસકપક્ષના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કહે છે : લવમેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત બનાવવી જોઈએ. કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ માગણી કાયદામંત્રી સમક્ષ કરી છે. વિપક્ષનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ મુદ્દે વિધાનસભામાં બોલ્યા હતાં. લવમેરેજમાં જે કિસ્સામાં કોર્ટમાં મેરેજ નોંધાતા હોય તે કિસ્સાઓમાં માતાપિતાની સહી ફરજિયાત બનાવવા અંગે તેઓએ માંગણી કરી છે. જ્યાં જન્મ થયો હોય એ જ જિલ્લામાં લગ્નની નોંધણી થાય એવી પણ માંગ કરવામાં આવી હતી. એક જિલ્લાના યુવક યુવતીઓ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ મેરેજ કરે છે એમ જણાવી ઉપરોક્ત માંગ કરવામાં આવી છે.
આ પ્રકારની માંગણીઓ ટેકનિકલ અને કાયદાકીય રીતે શકય બની શકે છે કે કેમ ? તે અંગે હવે કાયદા વિભાગ પરામર્શ હાથ ધરી શકે છે. હાલ એવું દેખાઈ રહ્યું છે કે, આ મુદ્દાની ચર્ચા લાંબા સમય સુધી ચાલશે. કેમ કે, આગામી સમયમાં પુખ્ત વયના લોકોની અંગત સ્વતંત્રતાનો મુદ્દો અને બંધારણીય અધિકારો પણ ચર્ચાશે. ગુજરાત વિધાનસભામાં આ ચર્ચા દરમિયાન કોન્ગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. અત્રે નોંધનીય છે કે, લવમેરેજના ઘણાં કિસ્સાઓ એવાં પણ જોવા મળી રહ્યા છે જેને પરિણામે વિવાદો સર્જાતા રહે છે. કોઈ કિસ્સામાં વિવાદ સર્જાય એ એક અલગ મુદ્દો છે અને લવમેરેજ સંદર્ભે સૌ માટે કાયદો ઘડવો એ સાવ અલગ જ બાબત હોય,
આગામી દિવસોમાં વિધાનસભામાં, વિધાનસભાની બહાર, સરકારમાં, રાજકીય પક્ષોનાં સંગઠનમાં, સંસ્થાઓમાં અને સમાજમાં તેમ જ ચા-પાનના ગલ્લાઓ પર પણ, લવમેરેજની ચર્ચાઓ મોટાં પ્રમાણમાં શરૂ થાય તો નવાઈ નહીં ! વિધાનસભા ગૃહમાં એમ પણ કહેવાયું કે, લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઈએ. પંચ પણ સ્થાનિક હોવા જોઈએ. ટૂંકમાં, આ આખો મુદ્દો આગામી સમયમાં ચર્ચાનો હોટ વિષય બની શકે છે. જેમાં દીકરીઓને લલચાવવા ફોસલાવવાની ચર્ચા અને દીકરીઓ શા માટે લલચાઈ જાય છે ?! ફોસલાઈ જાય છે ?! વગેરે ચર્ચાઓ સર્વત્ર ચાલશે, એવું અત્યારે સમજાઈ રહ્યું છે.