Mysamachar.in-જામનગર:
દેશભરમાં આવેલા વેટલેન્ડ સહિતના અભયારણ્યમાં જાળવણી મામલે શું સ્થિતિઓ છે, એ અંગે સુપ્રિમ કોર્ટે ચિંતાઓ વ્યક્ત કરી તમામ રાજ્યની વડી અદાલતોને નિર્દેશ આપ્યા હતાં, જે અનુસંધાને ગુજરાતની વડી અદાલતે સુઓમોટો જાહેર હિતની અરજી દાખલ કરી, તપાસની કામગીરીઓ સોંપી દીધી છે અને આ કવાયતના ભાગરૂપે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ જાળવણી મુદ્દે તપાસ થશે, જેનો રિપોર્ટ વડી અદાલત સમક્ષ મૂકવામાં આવશે.
ગુજરાતના તમામ વેટલેન્ડ્સની જાળવણી યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ, તે જાણવા હાઈકોર્ટે સુઓમોટો PIL દાખલ કરી છે અને કોર્ટ સહાયકની નિમણૂંક કરી છે. ગૌતમ જોષી નામના કોર્ટ સહાયકને કહેવાયું છે કે, ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નડાબેટ સહિતના તમામ વેટલેન્ડ્સની તપાસ કરવામાં આવે અને તેનો પ્રાથમિક રિપોર્ટ અદાલત સમક્ષ પેશ કરવામાં આવે. આ રિપોર્ટ અદાલત સમક્ષ આવ્યા બાદ આગામી માર્ચ મહિનામાં વડી અદાલત આ માટેની સુનાવણી હાથ ધરશે.
દેશના વિવિધ રાજ્યોની રામસર સાઈટ્સ પર યોગ્ય જાળવણી અને દેખરેખને લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા ગત્ તારીખ 11-12-2024 ના રોજ તમામ હાઈકોર્ટને ઉદેશીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતાં. જેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ PIL દાખલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એવા સ્થળોને ‘રામસર’ સાઈટ્સ જાહેર કરવામાં આવે છે જ્યાં ભીનાશવાળી જમીન હોય અથવા જ્યાં કુદરતી રીતે પાણી ભરાયેલું રહેતું હોય. જેની જાળવણી અને દેખરેખ પર સુપ્રિમ કોર્ટે ભાર મૂક્યો છે. જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય આ પ્રકારની રામસર સાઈટ જાહેર થયેલું છે.
દરમિયાન, વડી અદાલત તરફથી નિમાયેલા કોર્ટ સહાયક ગૌતમ જોષીએ કહ્યું: રાજ્ય સરકારે આ મામલે શું કાર્યવાહીઓ અને કામગીરીઓ કરી તે સ્પષ્ટ કરવું પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડી અદાલતે કોર્ટ સહાયકને ગુજરાતના તમામ પાંચ વેટલેન્ડ્સની મુલાકાત લેવા અને પ્રત્યક્ષ અનુભવ મેળવી આ તમામ સાઈટ્સની જાળવણી અને દેખરેખ માટે શું કરી શકાય તે મુદ્દે રિપોર્ટ કરવા જણાવ્યું છે.
























































