Mysamachar.in: ગુજરાત
કેન્દ્ર સરકારનો નીતિ આયોગનો રિપોર્ટ જાહેર થયો છે, જેમાં ગુજરાત માટે કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ છે. એક રિપોર્ટ ઉત્સાહપ્રેરક અને બીજો રિપોર્ટ ચિંતાપ્રેરક છે. આ રિપોર્ટમાં આરોગ્ય અને શિક્ષણ- બંનેની વાત છે.
આરોગ્ય અંગેનો રિપોર્ટ કહે છે: આરોગ્ય વિષયક બાબતોમાં ગુજરાત 90 સ્કોર સાથે પ્રથમ ક્રમે છે. સતત બીજા રિપોર્ટમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. SDG-2023/24નો આ ચોથો રિપોર્ટ છે. સરકાર કહે છે: 2018માં ગુજરાતનો સ્કોર 52, 2019-20માં સ્કોર 67 અને 2021-22માં સ્કોર 86 રહ્યો છે. માતા મૃત્યુદર 1 લાખે 75 હતો જે ઘટીને 57 થયો છે, બાળ મૃત્યુદર 1 હજારે 31 હતો જે ઘટીને 24 થયો છે, બાળ રસીકરણ દર 87 હતો તે વધીને 95 થયો છે, હોસ્પિટલમાં પ્રસૂતિ 99.50 હતી તે વધીને 99.94 ટકા થઈ છે અને HIVના નવા કેસોમાં ઘટાડો થયો છે.
નીતિ આયોગનો ગુજરાતના શિક્ષણ અંગેનો રિપોર્ટ કહે છે: ગુજરાતમાં 11 ટકા જેટલાં બાળકો શાળાઓમાં પ્રવેશ પણ મેળવી શકતા નથી. શિક્ષણ ક્ષેત્રે રાજ્ય ખાડે, દેશમાં 18મા ક્રમે. માત્ર 24 ટકા વિદ્યાર્થીઓ 18-23ની વયે કોલેજોમાં પ્રવેશ મેળવે છે. ધોરણ 9-10માં ડ્રોપ આઉટ રેશિયો 17 ટકા, દેશનો આ સરેરાશ રેશિયો 12 ટકા છે. હાયર સેકન્ડરી કક્ષાએ 48.2 ટકા ગ્રોસ એનરોલમેન્ટ થાય છે. શિક્ષક-વિદ્યાર્થી રેશિયો 29 છે, દેશમાં સરેરાશ 18 છે. શિક્ષણ ક્ષેત્રે બાળકો અને યુવાનોનું ભાવિ ચિંતાજનક હોવાના આક્ષેપ ગુજરાતમાં જાણીતા છે.