Mysamachar.in:ગાંધીનગર
ખનીજચોરી હોય કે પછી GST ચોરી, કોઈ પણ પ્રકારની ચોરી જડબેસલાક રીતે ડામી દેવા રાજકીય ઈચ્છાશક્તિ પ્રથમ શરત હોય છે. પરંતુ જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર હોય કે પછી કચ્છ – સમગ્ર રાજ્યમાં દાયકાઓથી બેફામ ખનીજચોરી ધમધમી રહી છે તેનો સ્પષ્ટ અને સાદો અર્થ, અત્રે કોઈ પણ સમજી શકે છે. આજે ચાર એપ્રિલ, સમગ્ર વિશ્વનાં રાષ્ટ્રોના સંઘ – યુનોએ આ તારીખને વિશ્વ ખાણકામ જાગૃતિ દિવસ તરીકે ઉજવવા ભારત સહિત સમગ્ર દુનિયાને ભલામણ કરી છે. ગુજરાતમાં પણ એકાદ બે ખાણખનિજ કચેરી દ્વારા આજે સરકારી કાર્યક્રમ થશે. રાજ્યનું ખાણખનિજ મંત્રાલય થોડાંક સારાં શબ્દો પણ ક્યાંક, કોઈ કાર્યક્રમમાં વહેતાં મૂકશે. પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે, વર્ષના બાકીનાં 364 દિવસ, સરકારની કૃપાદ્રષ્ટિ નીચે, ખાણમાફિયાઓ ધરતીમાતાને પોતાની મુનસફી પ્રમાણે ખોદતાં રહેશે ! આ ઘટનાક્રમ આપણે સૌ દાયકાઓથી જોઈએ છીએ !
ખાણખનિજ ક્ષેત્ર આટલી બેફામ ચોરી પછી પણ સરકારને વિવિધ રીતે કરોડો અબજો રૂપિયાની કમાણી કરી આપે છે. આમ છતાં સરકાર આ વિભાગમાં પૂરતાં અધિકારીઓ મૂકતી નથી. કર્મચારીઓની ભરતી કરતી નથી. બઢતીઓ પર બ્રેક રાખે છે. આ વિભાગને પૂરતી સંખ્યામાં વાહનો અને કચેરીઓની પર્યાપ્ત જગ્યા ફાળવતી નથી. સરકાર આ વિભાગને આધુનિક બનાવતી નથી અને કાર્યક્ષમ પણ બનાવી શકતી નથી ! આટલાં અને આ પ્રકારના અન્ય મુદ્દાઓ પરથી સરકારની મંછાઓ કોઈ પણ વ્યક્તિ સમજી શકે.
ગુજરાત સરકારે ચારેક વર્ષ પહેલાં ગાઈવગાડીને વધામણી ખાધી હતી કે, રાજ્યમાં ખનિજચોરી રોકવા સરકારે ડ્રોન આધારિત ત્રિનેત્ર સર્વેલન્સ સિસ્ટમ દાખલ કરી છે, જે ખાણમાફિયાઓની ઉંઘ હરામ કરી દેશે. કોઈએ આ ડ્રોન જોયું ? રાજ્યનાં એકેય જિલ્લામાં આ સર્વેલન્સ સિસ્ટમ હેઠળ એક પણ ખાણમાફિયાને સરકારે પકડ્યો ! જેલમાં નાંખ્યો ?! આ પ્રકારના તમામ પ્રશ્નોનાં જવાબો નકારમાં છે ! માટી, રેતી, કોલસો, બોકસાઈટ અને લાઈમસ્ટોન સહિતનાં વિવિધ ખનિજોનુ રાજ્યભરમાં બેફામ અને ગેરકાયદેસર ખનન રાતદિન ધમધમે છે અને રાજ્યભરના રસ્તાઓ પર આ ટ્રકો અને ડમ્પરો તથા ટ્રેકટરો રાતદિવસ દોડે છે – પૂરપાટ ! આ વાહનોને ચેક કરવાની મનાઈ છે ?! સીઝ કરવાની સત્તા તંત્રો પાસે નથી ?! વગેરે પ્રશ્નોનાં જવાબો સૌ જાણે છે એટલે આજે ચાર એપ્રિલે, વર્લ્ડ માઈનિંગ અવેરનેસ ડે ઉજવવાથી વિશેષ કશું – ગુજરાત કે ભારતમાં શક્ય નથી ! એવું સૌએ સ્વીકારી લીધું છે !