Mysamachar.in:સુરેન્દ્રનગર:
ડ્રાય ગુજરાતમાં દર વર્ષે જુદાં જુદાં પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા, અબજો રૂપિયાનો દારૂ પકડી લેવામાં આવે છે. આ તમામ મુદ્દામાલ સંબંધિત જિલ્લાકક્ષાએ પોલીસ હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવતો હોય છે. આ ‘માલ’ અંગે ઘણાં પોલીસકર્મીઓ પાસે વિગતો હોય છે અને અલગ અલગ સ્થળોએ આ ‘માલ’ સાથે છેડછાડ પણ થતી રહેતી હોય છે, જે પૈકીના અમુક ખેલ જાહેર થતાં હોય છે. આવો એક ખેલ જાહેર થયો છે. જામનગરની વાત: જામનગર પોલીસ હેડ કવાર્ટરમાં થોડાં સમય અગાઉ એવું જાહેર થયેલું કે, હેડ કવાર્ટરમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલાં શરાબના જથ્થામાંથી શરાબની ચોરીઓ થતી હતી, જે આખરે ઝડપાઈ ગઈ હતી.
આવો અન્ય એક કિસ્સો, સુરેન્દ્રનગર પોલીસમાં જાહેર થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામનો આ કિસ્સો છે. આ કિસ્સામાં એવું જાહેર થયું છે કે, પોલીસે અગાઉ શરાબના જે જથ્થા કબજે લીધાં હોય તે શરાબ નિયમ અનુસાર નાશ કરવા માટે ચોક્કસ સ્થળે લઈ જવામાં આવતો હતો ત્યારે, આ શરાબ પૈકી અમુક જથ્થો અમુક પોલીસકર્મીઓ અને GRDના એક કર્મચારી દ્વારા પોતાના ખાનગી વાહનોમાં ભરવામાં આવતો હતો, અને તેઓની ગણતરી આ શરાબ બારોબાર સગેવગે કરવાની હતી. પરંતુ એ જ સમયે કોઈએ વોટસએપ કોલ મારફતે SPને આ અંગે જાણ કરી દીધી અને આખું કુંડાળુ પકડાઈ ગયું.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસકર્મીઓ ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા, ભાવેશ જયંતિલાલ રાવલ, ગોવિંદ મયાભાઈ ભરવાડ અને GRD કર્મચારી યોગેશ કાળુભાઈ મેરાણી એમ કુલ ચાર શખ્સો વિરુદ્ધ શરાબનો આ જથ્થો બારોબાર સગેવગે કરવા મામલે FIR નોંધવામાં આવી છે અને આ ચારેયની અટકાયત કરી લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુદ્દામાલ તરીકેનો શરાબનો આ જથ્થો પોલીસ પહેરા હેઠળ, નાશ કરવાના સ્થળે લઈ જવાનો હોય છે અને પોલીસ ઉપરાંત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં આ જથ્થાનો બુલડોઝર ચલાવી નાશ કરવાનો હોય છે. જો કે શરાબના આ પ્રકારના જથ્થા અંગે જાણકારોમાં તરેહતરેહની વાતો થતી રહેતી હોય છે, ક્યારેક આ પ્રકારનો એકાદ કિસ્સો કોઈ ચોક્કસ કારણસર બહાર આવી જતો હોય છે.
પોલીસકર્મીઓ અને GRD કર્મચારી જે ખાનગી વાહનોમાં આ માલ ભરી રહ્યા હતાં તે ત્રણ ખાનગી વાહનો અને શરાબની 206 બોટલ કબજે લેવામાં આવી છે અને આ આરોપી કર્મીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પોલીસ શરાબના જે જથ્થાનો નાશ કરવા લઈ જતી હતી તેની SPએ ગણતરી કરાવતાં 600 બોટલની ઘટ માલૂમ પડી (નાશ કરનાર ટીમે કાગળ પર બધું સરખું ગોઠવી લીધું હશે ?!) ! જે પૈકી 206 બોટલ ખાનગી વાહનોમાં ભરાતી પકડાઈ ગઈ, બાકીની 200 બોટલ પોલીસલાઈનમાંથી આડીઅવળી મળી આવી ! અને 200 બોટલની હજુ ઘટ આવે જ છે !!
ઝડપાઈ ગયેલાં ચાર કર્મીઓ પૈકીનો ગોવિંદ ભરવાડ નામનો પોલીસકર્મી અવારનવાર વિવાદોમાં સપડાય છે અને ઘણી વખત તેની બદલીઓ પણ થઈ છે. SP ગિરીશ પંડયાએ શરાબના આ પ્રકરણમાં જે રીતે દેખરેખ રાખી અને કડક પગલાંઓની સૂચનાઓ આપી, તેને કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસબેડામાં સોપો પડી ગયો છે.