Mysamachar.in-ગુજરાત
રાજ્યમાં લાંચિયા બાબુઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, પણ જેટલા બાબુઓ ઝડપાઈ જાય છે તેના પ્રમાણમાં હજુ ટ્રેપનો આંકડો ક્યાંકને ઓછો હોય તેમ લાગે છે, કે ભ્રષ્ટાચાર અવિરત થઇ રહ્યો છે, એવામાં તાજેતરમાં ગુજરાત એસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. તો છેલ્લાં પાંચ વર્ષમાં એસીબીએ બેનામી સંપત્તિના 75થી વધુ ગુના દાખલ કર્યા છે.
જ્યારે પાંચ વર્ષમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ રાજ્યભરમાં 830થી વધુ ટ્રેપ કરી 1990થી વધુ સરકારી અધિકારી-કર્મચારીઓ, 643 ખાનગી માણસો મળી કુલ 2630થી વધુને પકડ્યા છે. ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડવા છેલ્લા ઘણા સમયથી એસીબીને વધારે સક્રિય કરાયું છે. આ પાંચ વર્ષોમાં લાંચ-રુશ્વતના કેસોમાં સજાનો દર 23 ટકાથી વધીને 34 ટકા થયો છે.
પાંચ વર્ષમાં 830થી વધુ ટ્રેપમાં 2633 લોકો પકડાયા, જેમાં 1990 સરકારી અને 643 ખાનગી લોકો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો સરકારી માણસોના 33 થી 35 ટકા જેટલા ખાનગી માણસો સરકારી બાબુ વતી લાંચ લેતા પકડાયા હતા. એસીબીએ ઘણાં વર્ષોથી લાંચિયા બાબુઓને પકડવા માટે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ, જીપીઆરએસ સહિતની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે આ ટેક્નોલોજીનો ઉપયોગ દરેક લાંચિયા બાબુને પકડવા માટે કરવામાં આવતો નથી,
પરંતુ જરૂર જણાય ત્યાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે. મોટા ભાગે કોઈ પણ ટ્રેપમાં સમય નક્કી હોતો નથી. એક દિવસથી માંડીને એક મહિના સુધીનો સમય પણ ઘણા કિસ્સામાં લાગે છે. તેમાં પણ સરકારી બાબુઓ પંચો-સાક્ષીઓને ઓળખી જતાં હોવાથી અથવા તો તેમને એસીબીના અધિકારીઓની ગતિવિધિઓનો અંદાજ આવી જાય તો તે એલર્ટ થઈ જતાં હોવાથી ઘણી ટ્રેપમાં વધારે સમય લાગે છે.
– 82 ક્લાસ-1 અધિકારીઓ લાંચ લેતા પકડાયા
છેલ્લાં 5 વર્ષમાં 82 ક્લાસ-1 અધિકારી જ્યારે 643 ખાનગી માણસો લાંચ લેતા પકડાયા હતા. ક્લાસ-1 અધિકારીઓ – 2016માં 17, 2017માં 13, 2018માં 33, 2019માં 16 અને 2020માં 3 અધિકારી લાંચ લેતા પકડાયા.
– 2016માં બેનામી સંપત્તિના સૌથી વધુ 21 ગુના
વર્ષ 2020માં આઠ મહિનામાં એસીબીમાં અપ્રમાણસર મિલકતના 19 ગુના દાખલ થયા છે. જ્યારે 2019માં 18, 2018માં 12, 2017માં 8 અને 2016માં 21 ગુના દાખલ થયા હતા.