Mysamachar.in:ગુજરાત
ગુજરાત રાજ્ય બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાથી, સમૃધ્ધિ ખૂબ છે પરંતુ સરકારના ખુદના આંકડાઓ અનુસાર, રાજયમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા પણ મોટી છે. મોડેલ સ્ટેટ તરીકે જાણીતા ગુજરાતમાં નાના બાળકોના મૃત્યુનો દર પણ મોટો બન્યો છે કેમ કે, માતાઓનું સ્વાસ્થ્ય સારૂં નથી હોતું અથવા પ્રસૂતા ખુદ કુપોષણનો શિકાર બનેલી હોય છે.લોકસભામાં સરકારે આંકડાઓ જાહેર કર્યા છે. જે દર્શાવે છે કે, ગુજરાતમાં શિશુઓનો મૃત્યુદર પણ નોંધપાત્ર છે ! અને પાંચ વર્ષથી નાની વયના હજારો બાળકોને ખોરાકી પોષણ મળતું નથી. સરકારનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં સ્થિતિ આ છે. પ્રસૂતાઓ અને શિશુઓના કલ્યાણના તાલુકા તથા જિલ્લા સ્તરના કાર્યક્રમો વર્ષ દરમિયાન સતત યોજાતા રહે છે, જેમાં એજન્ડા અને મિનિટ્સ આકર્ષક અને ઉમદા હોય છે, તસવીરો પણ છપાતી-દેખાડાતી રહે છે પરંતુ આ વિષયનું વાસ્તવિક ચિત્ર બિહામણું છે.
સરકાર નાના બાળકો માટે પોષણ અને પુન: સ્થાપન કેન્દ્રો પણ ચલાવે છે. તેમાં 41,632 બાળક અતિ કુપોષિત છે, વજન જ નથી, તેથી રોગ પ્રતિકારક શક્તિ નથી, અને તેથી આ બાળકોનો મૃત્યુદર પણ વધે છે, જે સમૃધ્ધ અને આરોગ્ય સેવાની દ્રષ્ટિએ આધુનિક લેખાતા રાજ્ય માટે ચિંતાઓ અને લાંછનનો મુદ્દો છે.આ પ્રકારના અતિ કુપોષિત બાળકોને સેન્ટરમાં રાખવામાં આવે છે, સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આ મુદ્દે બીજા ક્રમે છે ! આટલાં બધાં કુપોષિત બાળકો ?! સમગ્ર દેશમાં આ પ્રકારના સેન્ટરમાં રહેતાં બાળકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
ગુજરાતમાં કુપોષિત બાળકોનો મુદ્દો ગંભીર છે, આવા બાળકોની સંખ્યા બમણી થઈ ગઈ !! વિપક્ષ કહે છે: રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે, તે પૈકી 30,000 બાળકો મૃત્યુ પામે છે. સરકારના આંકડાઓ મુજબ, પાછલાં પાંચ વર્ષ દરમિયાન 7.15 લાખ કુપોષિત બાળકો ચોપડે નોંધાયેલા છે.નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે કહે છે: ગુજરાતમાં કુલ બાળકો પૈકી 39 ટકા બાળકોનું વજન ઓછું છે. આ આંકડાઓ બિલકુલ તાજા છે, આજની તારીખે પણ સ્થિતિ ચિંતાપ્રેરક છે. ટૂંકમાં, માતા અને શિશુના આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાતમાં ચિત્ર સંતોષકારક નથી, ચિંતાઓ ઉપજાવે તેવું છે. સરકારની આટલી યોજનાઓ અને કરોડોનો ખર્ચ, પછી પણ વાસ્તવિક સ્થિતિ બિહામણી !!