Mysamachar.in:જામનગર:
બેબાક બોલ બોલવા માટે જાણીતા અને હાલ રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની જીભ એક કાર્યક્રમમાં એવી તો લપસી કે તેમના નિવેદને ગુજરાત ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે, ત્યારે અત્યાર સુધી શહેર જીલ્લા સુધી રૂપાલાના વિરોધ બાદ હવે નાના નાના ગામોથી માંડીને અને તાલુકા મથક સુધી પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને ના બોલવાનું બોલનાર રૂપાલાની ટીકીટ કાપવાની માંગ મક્કમ કરી દેવામાં આવતા ભાજપનું ટેન્શન વધી રહ્યું છે.
આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખુબ મોટી કહી શકાય તેવી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, વધુમાં રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરવા સુધીની પણ કાલાવડ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાઓએ તૈયારી બતાવી છે અને જો ઉમેદવાર બદલવામાં નહિ આવે તો આગામી દિવસોમાં રાજકોટ ખાતે રાજપૂત સમાજનું મોટું સંમેલન યોજાશે આજે કાલાવડમાં આ આવેદનપત્ર આપતા સમયે બહોળી સંખ્યામા કેટલાય ગામોના સરપંચો સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભાજપ સમર્થક આગેવાનો પણ જોડાયા હતા,
તો આ તરફ જોડિયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરવામાં આવી કારણ કે રૂપાલાએ આપેલ વિવાદિત નિવેદનથી સમાજના આત્મસન્માનને ઠેસ પહોચી જો તેમની ઉમેદવારી રદ ના કરવામાં આવે તો જોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ આ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.