Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યની તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર NOC મેળવી લેવા કહેવામાં આવ્યું છે અને આ માટે 10 દિવસની અંદર શાળાઓએ અરજી આપવાની રહેશે. આ હુકમ રાજ્યના સ્કૂલ કમિશનર દ્વારા થયો છે. જામનગરમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને કાલે બુધવારે, કમિશનરનો આ પત્ર મળી ગયો છે અને આ કચેરીએ શહેર તથા જિલ્લાની 348 શાળાઓને આ અંગે પત્ર દ્વારા જાણ પણ કરી દીધી છે. આ નિયમમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં, એમ DEO ભરત વિડજાએ Mysamachar.in સાથેની વાતચીતમાં આજે જણાવ્યું છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની હદમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી જે ખાનગી શાળાઓ છે, તે તમામ શાળાઓએ આ નિયમનું પાલન કરવાનું છે અને એ બાબત જોવાની જવાબદારીઓ કોર્પોરેશનની ફાયર શાખા હસ્તક હોય, આગામી 36-48 કલાકમાં ફાયર શાખા પણ આ કામગીરીઓ હાથ ધરશે.
આ જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે તે તમામ શાળાઓમાં આ નિયમનું પાલન કરાવવાની જવાબદારીઓ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીની છે. શહેર જિલ્લાની કોલેજોએ આ કામગીરીઓ સૌરાષ્ટ્ર યુનિ.ની દેખરેખ હેઠળ કરવાની રહેશે.
આ બાબતે Mysamachar.in દ્વારા નગરના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ સંબંધે ઈમારતની 9 મીટર કરતાં ઓછી હાઈટ અથવા 500 ચોમી કરતાં વધુ જગ્યાઓ ધરાવતી શાળાઓ અંગે સરકારના ફાયર સંબંધિત જે નિયમો છે, તે અંગે શાળાઓને જાણ કરી દેવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 પૈકી 3 શાળાઓ 500 ચોમી કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવે છે કે કેમ, તે અંગે સંબંધિત શાળાઓને પત્ર મોકલી આપવામાં આવ્યા છે.
કમિશનર ઓફ સ્કૂલ દ્વારા પરિપત્રમાં કહેવાયું છે કે, તમામ શાળાઓએ 30 દિવસમાં ફાયર NOC મેળવી લેવાનું રહેશે. આ માટેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, 2 કે તેથી વધુ માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તે સંસ્થાઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરી, પાળી બદલાવવાની રહેશે.
આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. જે શાળાઓ 500 ચોમી થી વધુ ફ્લોર એરિયા ધરાવતી હોય તે સંસ્થાઓએ શક્ય હોય તો, 500 ચોમી થી ઓછાં ફ્લોર એરિયામાં શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. શાળાના રસોઈઘર કે કેન્ટીન વગેરેનો શાળાના સમય દરમિયાન ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ મંજૂર લોડ પ્રમાણે જ કરવાનો રહેશે. ફાયર સેફટી પ્લાન સરળ ભાષામાં તૈયાર કરી, શાળાઓએ યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવાનો રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલનમાં રહી મોક ડ્રીલ તથા અગ્નિ શમન તાલીમનું આયોજન કરવાનું રહેશે. કોઈ પણ દુર્ઘટનાઓ થશે તો તેની સંપૂર્ણ જવાબદારીઓ શાળાઓની જ રહેશે. ફાયર NOC મેળવવું તથા ફાયર સેફટી સાધનોની વ્યવસ્થાઓ કરવામાં નિષ્ફળ રહેનાર શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા રદ્દ કરી નાંખવામાં આવશે. આ તમામ સૂચનાઓનો કડક અમલ કરવાનો રહેશે.