Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જામનગરમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે ભુમાફીયા તત્વોએ બોગસ વેંચાણ કરાર કરીને કાવતરુ રચ્યાનું બહાર આવતા પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી,ત્યારે જામનગરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ દિવસને દિવસ કથળતી જતી હોય તેમ બોકસાઈટના ધંધાર્થી પાસે ૪૦ લાખ પડાવવા માટે ધમકી આપીને ઓફિસમાં તોડફોડ કરી આતંક મચાવવાનો મામલો સામે આવતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે,
બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા અને બોકસાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા હરેન્દ્રભાઈ મહેતાને અચાનક મોબાઈલ ફોન આવ્યો કે,મારા મિત્રના ૪૦ લાખ આપવાના છે તેમ કહીને ધર્મેન્દ્ર મયુરભાઈ માડમે ધમકી આપતા ચોંકી ઉઠ્યા હતા અને વારંવાર હરેન્દ્રભાઈને ફોન કરતો હતો.આથી હરેન્દ્રભાઈ મહેતાએ મોબાઈલ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ધર્મેન્દ્ર માડમ ઉશ્કેરાઈ ગયો હતો અને આ મામલે ધર્મેન્દ્ર માડમે હરેન્દ્રભાઈના મિત્ર એવા બિલ્ડર નિલેષ ટોલીયાને પણ ફોન કરીને હરેન્દ્રભાઈ પાસે ૪૦ લાખ માંગતા હોવાની વાત કરી હતી, ત્યારે હરેન્દ્રભાઈ અને નિલેષ ટોલીયા વચ્ચે વાતચીત થતા મારી પાસે કોઈ પૈસા માંગતુ ન હોવાનું હરેન્દ્રભાઇએ જણાવ્યુ હતુ,
તેવામાં અચાનક ગઇકાલે હરેન્દ્ર મહેતાની મોટર હાઉસ અંકુર એપાર્ટમેન્ટ નજીક પોટરીવાળી ગલીમાં આવેલ ઓફિસમાં ધર્મેન્દ્ર મયુરભાઈ માડમ પીધેલી હાલતમાં ઘસી જઈને દંગલ મચાવ્યું હતું અને તોડફોડ કરી ૧ લાખનું નુકશાન કરીને હંગામો મચાવી દીધો હતો,
વધુમાં ઓફિસમાં કામ કરતા શ્રેયાંશભાઈ પર હુમલો કરી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી,આ મામલે બોકસાઈટના ધંધાર્થીને હરેન્દ્રભાઈ મહેતાને ખબર પડતાં તાકીદે સીટી-બી પોલીસ મથકે દોડી જઈને તેમની ઓફિસમાં તોડફોડ કરનાર ધર્મેન્દ્ર મયુરભાઈ માડમ વિરુદ્ધ વિગતવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આમ જામનગરમાં ભુમાફીયા તત્વોની દાદાગીરી બાદ લુખ્ખા તત્વો દ્વારા વેપારીઑ પાસે બળજબરીથી નાણા પડાવાનો આ મામલો સામે આવતા વેપારીઓમા ફફડાટની લાગણી ફેલાઈ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.
























































