Mysamachar.in:ગાંધીનગર
કોઈ પણ ખુરશી પર બેઠેલાં અધિકારી રેગ્યુલરને બદલે ઇન્ચાર્જ હોય એટલે સૌથી મોટી નુકસાની એ રહે છે કે તેઓ નીતિવિષયક નિર્ણયો લઈ શકે નહીં ! તેથી મહત્વનાં વિષયો સંબંધિત ગૂંચો વણઉકેલાયેલી જ રહે અને, વહીવટી ક્ષમતા વધે નહીં ! ઉલટું વિલંબો વધે અને તેથી નાગરિકોનાં ખાતામાં સરવાળે બધી જ નુકસાની ઉધારાતી રહે.પાટનગર ગાંધીનગરમાં પણ સ્થિતિ, કમનસીબે આ છે ! 14 મહત્વનાં વિભાગો-બોર્ડ-નિગમોમાં કાયમી બોસ નથી, ઇન્ચાર્જથી ગાડાં ગબડાવવામાં આવે છે !
ગાંધીનગરમાં આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે બાવાના બેઉ બગડે જેવો ઘાટ છે. મહત્ત્વની ફાઈલો ઝડપથી આગળ વધતી નથી. ઉચ્ચ અધિકારીઓમાં નારાજગી છે. તેઓ બિનજરૂરી વર્કલોડથી કંટાળી ગયા છે અને ઈચ્છે છે કે, જલ્દી બધે જ ફૂલ ફલેજડ નિમણૂંકો થાય. આ સ્થિતિમાં અધિકારીઓનાં પરફોર્મન્સ પર પણ અસરો થાય છે. તેઓ વિષયો પર ફોકસ કરી શકતાં નથી. સમયની સતત ઘટ રહે છે. અને એમાંય વળી બેઠકો વગેરેને કારણે સમયની ખેંચ કામો નિપટાવવામાં નડે છે.
જે મહત્વનાં વિભાગો અને બોર્ડ નિગમોમાં ઇન્ચાર્જ છે, તેની યાદી : ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહનિર્માણ વિભાગ, સૌથી વધુ આવક રળી આપતું વેરા કમિશનરેટ, જીએસપીસી, જીપીસીબી, જીએમબી, નગરપાલિકાઓનાં કમિશનર, વહીવટી સુધારણા વિભાગ, ઉચ્ચ શિક્ષણ, પૂરવઠા વિભાગ તથા નર્મદા, નાણાં અને કૃષિ તથા ઉદ્યોગ ઉપરાંત જીએસએફસી તેમજ જીએનએફસી વગેરે જગ્યાએ આ સ્થિતિ છે ! આ પ્રકારની સ્થિતિમાં નીચલા સ્ટાફ દ્વારા ગેરરીતિઓની સંભાવનાઓ વધી જાય છે ! કારણ કે બધું જ નધણિયાતુ ચાલતું રહે છે !
વિધાનસભા સત્ર ચાલુ છે ત્યારે પણ આ સ્થિતિ છે ! સત્ર પહેલાં કાયમી નિમણૂંકો ન થવા પામી, સૌને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર પાસે મોટી અપેક્ષાઓ છે અને સરકાર પાસે તોતિંગ બહુમતી છે છતાં આ ચિંતાજનક અને ગંભીર સ્થિતિ છે ! જામનગર જેવાં જિલ્લામથકોએ પણ આ પ્રકારની સ્થિતિ લાંબા સમયથી જોવા મળે છે, જેથી લોકોનાં કામો થતાં નથી. લાગતાં વળગતા કામો ઉતારી લ્યે છે. સરકારની પ્રતિષ્ઠાને ઘસરકા પહોંચે છે અને લોકોની મુશ્કેલીઓ યથાવત્ રહે છે અને વધે પણ છે. આ સ્થિતિમાં કામ કરતી સરકાર સૂત્ર પોકળ પૂરવાર થઈ રહ્યું છે – આપણે આશા અપેક્ષા રાખીએ, મુખ્યમંત્રી જાદૂઈ લાકડી ફેરવે.