Mysamachar.in-જામનગર:
જામનગર વીજતંત્રના એક સફાઈ કર્મચારી સર્કલ ઓફિસમાં પાર્ટટાઈમ નોકરી કરતાં હતાં, તેને કાયમી કરવાના મુદ્દે લાંબો કાનૂની જંગ ખેલાયો અને અંતે વડી અદાલતે વીજતંત્ર તરફથી થયેલી દલીલો માન્ય રાખી, આ મામલામાં ટ્રાયલ કોર્ટના હુકમને તથા આ હુકમને બહાલ કરનાર એપેલેટ કોર્ટના હુકમને ખામીયુકત લેખાવી આ હુકમો રદ્દબાતલ ઠરાવ્યા છે અને ચુકાદો વીજતંત્રની તરફેણમાં આવ્યો છે.
વડી અદાલતે જામનગરના ત્રીજા સિવિલ જજ અને જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજના આ કેસના હુકમોને રદ્દબાતલ ઠરાવી આ ચુકાદો આપ્યો છે. વડી અદાલતે ઠરાવ્યું છે કે, પાર્ટટાઈમ કર્મચારીઓને રેગ્યુલરાઈઝ એટલે કે કાયમી કરી શકાય નહીં. અને વર્ગ-4 માં તેમને કાયમી નિમણૂંક આપવા અંગે તેમજ કાયમી નિયુક્તિ કરવા અંગે હુકમો આપી શકાય નહીં.
આ કેસમાં હાઈકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતા જણાવાયું કે, પાર્ટટાઈમ કર્મચારીઓ મંજૂર જગ્યા પર કામ કરતાં ન હોય, તેઓ કાયમી કર્મચારી બનવા હક્કદાર નથી. આવા પાર્ટટાઈમ હંગામી કર્મચારીઓને કાયમી રીતે રાખવા, કાયમી કરવા કે તેમને સમાવવા હુકમ થઈ શકે નહીં. પાર્ટટાઈમ કર્મચારીઓ સરકાર સંચાલિત સંસ્થાઓમાં સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંત પર સરકારના કાયમી કર્મચારીઓના પગારધોરણ સાથે સમાનતાના ગ્રાઉન્ડ પર પગાર માંગી શકે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના કેસમાં પાર્ટટાઈમ કર્મચારીઓને આ રીતે કાયમી કરવાનો હુકમ આપવાની સતા વડી અદાલતને પણ નથી, એવું એક કેસમાં અગાઉ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવેલું છે. આ કેસ ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટના હુકમોને પડકારતી વીજતંત્ર તરફથી થયેલી સેકન્ડ અપીલ તરીકે વડી અદાલત સમક્ષ આવ્યો હતો.
આ મામલામાં સંબંધિત પાર્ટટાઈમ કર્મચારીએ સરકારના 1980ના એક પરિપત્રનો આધાર લીધો હતો. જેની સામે વીજતંત્ર વતી જણાવાયું કે, આ પરિપત્ર સરકારના 1995ના ઠરાવથી સ્ટે થયો હતો અને ત્યારબાદ 2006માં 1980નો આ પરિપત્ર રદ્દ પણ કરવામાં આવ્યો છે. આ મામલામાં વીજતંત્ર તરફથી થયેલી દલીલો, અગાઉના વડી અદાલતના તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓના આધારે માન્ય રાખવામાં આવી હતી.