Mysamachar.in:ગાંધીનગર
આવતીકાલે ગુજરાતભરમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો પરીક્ષા આપશે.પરીક્ષા આપવા માટે 6,64,400 ઉમેદવારોએ સંમતિ આપી છે. આ માટે ગુજરાત પંચાયત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખાસ માહિતી આપી હતી.
હસમુખ પટેલે આગળ જણાવ્યું હતું કે ઉમેદવારોએ 11.55 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે અને 1.30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે પોતાનો વર્ગખંડ છોડી શકશે નહીં. વર્ગખંડમાં જ ઉમેદવારોને પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. વિકલાંગ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે એ માટે તેમને તેના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. રાજ્ય અને જિલ્લાકક્ષાએ ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાના ઉમેદવારોને કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈનમાં સંપર્ક કરી શકશે.
સુરક્ષા વિશે તેમણે કહ્યું કે, ડમી ઉમેદવાર પકડાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ વીડિયોગ્રાફી કરાશે, બોડીવોર્ન કેમેરાથી વીડિયોગ્રાફી કરાશે. ઉમેદવારોનું બધુ ચેક કરાશે, કંઈક શંકાસ્પદ જણાશે છતાં તેને પરીક્ષા આપવામાં દેવાશે, પરંતુ પરીક્ષા કેન્દ્ર બાદ તેની ચકાસણી થશે. ઉમેદવારોને કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઈન રાજ્ય અને જિલ્લા કક્ષાએ ચાલુ રખાઈ છે.
-ઉમેદવારો માટે મહત્વના મુદ્દાઓ…
-ઉમેદવારોને પરીક્ષામાં ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ છે.
-સાદી કાંડા ઘડિયાળ પહેરીને અંદર લઈ જઈ શકે છે. જો સાદી ઘડિયાળ પહેરેલા ઉમેદવારને કેન્દ્રમાં ક્યાંક રોકવામાં આવે તો કોલ લેટર પર લખાયેલો નિયમ બતાવી શકે છે.
-ઉમેદવાર વાહન લઈને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં નહિ દેવાય. કેમ્પસમાં દરવાજા પાસે ચાવી મૂકાવડાવી દેવાશે.
-સામાન મૂકવાની પણ વ્યવસ્થા પણ બહાર કરાઈ છે. જ્યાં કેન્દ્રની બહાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ દરવાજા પાસે થેલા મૂકાવશે. પરીક્ષા બાદ બેગ ઉમેદવારો પરત લઈ જઈ શકશે.
-પ્રવેશતા સમયે બુટચંપલ કાઢીને ચેકિંગ કરાવાશે. વર્ગખંડમાં બૂટચંપલ લઈ શકશે નહિ.
-દોઢ વાગે પરીક્ષા પૂરી ન થાય ત્યા સુધી ઉમેદવાર ક્લાસ છોડી શકશે નહિ.
-વિકલાંગો માટે અગવડ ન પડે તે માટે જિલ્લામાં જ કેન્દ્ર ફાળવાયા છે.