Mysamachar.in-કચ્છ:
આજના સમયમાં કેટલાય સ્થળોએ મીનરલ વોટર સપ્લાય કરવા માટે પાણીના પ્લાન્ટ ચાલી રહ્યા છે, પણ આવા પાણીના કેરબાઓમાં કેટલીય વખત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં દારૂની હેરાફેરી ઝડપાઈ ચુકી છે ત્યારે આજે વધુ એક વખત પાણીના કેરબાની આડમાં દારુ સપ્લાય થાય તે પૂર્વે જ પોલીસે જથ્થો જપ્ત કરી લીધો છે, પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી આદિપુર વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી પૂર્વ બાતમીના આધારે ટીમે આદિપુરના વોર્ડ 2/બીમાં આવેલા આશાપુરા ડ્રિન્કિંગ વોટરના પ્લાન્ટમાં બોલેરો જીપકારમાં ગોઠવેલા પાણીના કેરબાઓમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબીએ મુદ્દામાલ સહિત કુલ રૂ. 6 લાખ 07 હજાર 430નો જથ્થો ઝડપી આદિપુર પોલીસ મથકના હવાલે કર્યો હતો. આદિપુર વોર્ડ 2-બીમાંથી નવતર ઢબે ઝડપાયેલા વેચાણ અર્થે રખાયેલા વિદેશી દારૂના આ મામલામાં એલસીબીએ બે શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં સુખવિંદરસિંગ ઉર્ફે ગોલું માનસિંગ તોમર અને મહેન્દ્ર બાબુ રબારીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મૂળ માલિક રાજેશ સુંદરદાસ ટેકચંદાની સ્થળ પર ના મળતાં પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.