Mysamachar.in:જામનગર:
કોર્પોરેશન તથા હાઉસિંગ બોર્ડ દ્વારા બનતાં મકાનો અને આવાસો ખરીદનારાઓ છેલ્લે, પોતાના જાનના જોખમે આવા મકાનોમાં રહેવા મજબૂર બને છે કેમ કે, આવા મકાનોનું સમારકામ અથવા પુન: નિર્માણ હંમેશા અનિશ્ચિત મુદ્દો બની રહે છે. આ વર્ષે પણ કમનસીબ સ્થિતિ આવી પહોંચી છે. એક તરફ ચોમાસું બારણે ટકોરા લગાવી રહ્યું છે, બીજી તરફ હજારો જર્જરિત મકાનોમાં વસતાં હજારો લોકોની જિંદગીઓ પર મોતની તલવાર લટકી રહી છે. અચરજની વાત સાથે એ પણ છે કે, આ પ્રકારની વસાહતોના રિડેવલપમેન્ટની તમામ વાતો હવાઈ પૂરવાર થઈ છે કેમ કે, સરકારની આ યોજનામાં કોઈ જ બિલ્ડરને, જરા સરખો પણ રસ નથી.

જામનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી આ ચાર જિલ્લામથકો પર હાઉસિંગ બોર્ડે પોતાના હજારો જર્જરિત મકાનોની જગ્યાએ સરકારની રિડેવલપમેન્ટ પોલીસી હેઠળ નવા મકાનોના નિર્માણ માટે ચાર-ચાર વખત પ્રયત્ન કર્યો છે. કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ કોઈ બિલ્ડર આ બાબતમાં પડવા રાજી નથી. સૌ પોતાના અંગત બિઝનેસમાં વ્યસ્ત છે. આથી સવાલ એ ઉભો થયો છે કે, ધારો કે ચોમાસામાં બેફામ વરસાદ અને ભારે પવન અને વાવાઝોડું ત્રાટકે અને માનવ વસવાટ ધરાવતાં આ નબળાં મકાનો પૈકી કોઈ બેચાર વધુ નબળાં મકાનો તૂટી પડે અને ભૂતકાળ જેવી દુર્ઘટના થશે તો ?! આ મોત માટે જવાબદાર કોણ ?! હાઉસિંગ બોર્ડ કહે છે: આવા નબળાં મકાનોનો ઉપયોગ બંધ કરાવવાની અને સીલ કરાવવાની સતા અને ફરજ મહાનગરપાલિકાની હોય છે, હાઉસિંગ બોર્ડ પાસે આવી સતાઓ નથી.
જામનગરમાં આવા 60 મકાન માટે, 624 મકાન માટે, 100 મકાન માટે, 324 મકાન માટે અને 290 મકાન માટે– એમ જુદી જુદી સાઈટ માટે ઘણી વખત ટેન્ડર બહાર પાડ્યા છે પણ કોઈ આ કામ કરવા રાજી નથી. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવા 3,400 મકાનો સાવ નબળાં છે જેમાં હજારો પરિવારો મોતના ભય હેઠળ જીવે છે. માથે ચોમાસું છે. ત્યારે માત્ર નોટિસ સિવાય અન્ય કોઈ કામગીરીઓ કે કાર્યવાહીઓ આ બાબતમાં થતી નથી. સૌ સંબંધિતો દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય, એવું હાલ દેખાઈ રહ્યું છે. જામનગરમાં હાઉસિંગ બોર્ડ ઉપરાંત કોર્પોરેશન હસ્તકના 1,404 આવાસોની હાલત પણ આવી જ ચિંતાપ્રેરક છે. ચોમાસામાં શું થશે ?! આ સવાલ અમંગળ શંકાઓ જન્માવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ શરૂઆતમાં એવી વાત હતી કે, રહેવાસીઓ સહમતી આપે પછી આગળ વાત વધે. તેમાં સફળતા ન મળતાં સરકારે રહેવાસીઓની સહમતીનો મુદ્દો પડતો મૂક્યો. લોકોની સહમતી વિના જ લોકોના ભલા માટે હાઉસિંગ બોર્ડે સીધાં જ ટેન્ડર બહાર પાડ્યા, પણ આ ટેન્ડર ઉપાડવા કોઈ જ તૈયાર નથી. સવા વરસથી આ કસરતો ચાલે છે, જે હજુ સફળ થઈ નથી.(file Image)
