Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ એટલે કે ટાઉનપ્લાનીંગ શાખા આજકાલથી બદનામ નથી, વર્ષોથી આ શાખા તેના ભ્રષ્ટાચારને લઈને બદનામ થતી આવી છે, એવામાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાને બદલે આવા બાંધકામોમા થી કઈ રીતે “મધ”તારવી શકાય તેના માટે કર્મચારીઓને લાળો ટપકવા લાગે છે, અને સતત તેની જ ફિરાકમાં હોય છે, જો આ શાખામાં કાઈ ચાલતું જ નાં હોય તો ભૂતકાળમાં પણ ટાઉનપ્લાનીંગ ઓફિસર અને ભારે રાજકીય ઘરોબો ધરાવનાર એક અધિકારી સામે એસીબી એ કરોડોની બેનામી સંપતિ સહિતના ગુન્હાઓ દાખલ કરીને દાખલો બેસાડી દીધો હતો, જે બાદ થોડો સમય ટાઉનપ્લાનીંગ વિભાગમાં એસીબીના નામનો ફફડાટ હતો પણ આ અસર છેલ્લા કેટલાક સમયથી સાવ ઓસરી ગઈ હોય તેમ અહી ખુલ્લેઆમ ચાલતા વહીવટનો ગઈકાલે વાઈરલ થયેલી ઓડિયોએ પર્દાફાશ કરી નાખતા હવે જામનગર મનપાના જવાબદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું જ છે, પણ એન્ટી કરપ્શન બ્યુરો ખાનગીરાહે અને ગઈકાલે વાઈરલ થયેલી ઓડિયો પરથી જાળ ગોઠવે તો મોટી સફળતા એસીબીને પણ મળી શકે તેમ છે,
વધુમાં મનપાના સુત્રો માહિતી આપતા કહે છે કે એસીબીએ એ પણ તપાસ કરવાની જરૂર છે કે છેલ્લા કેટલાક સમયગાળામાં ૧૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને મનપાએ ૨૬૦/૧ અને ૨૬૦/૨ મુજબની નોટીસો તો આપી છે પણ તે નોટીસો બાદ શું થયું ખરેખર તે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા, કેટલા રેગ્યુલાઈઝ થયા, અને બાકી અન્યમાં શું થયું, કેટલા કામ્પ્લીશનો આપવા લાયક નથી છતાં પણ વાઈરલ થયેલી ક્લીપ મુજબ આપવામાં આવ્યા તે તમામ મુદ્દાઓની આવરીને જો ઊંડાણપૂર્વકની તપાસ થાય તો કેટલાય નું આવી બને તેમ છે.