Mysamachar.in-જામનગર:
ટ્રસ્ટ એટલે વિશ્વાસ અથવા ભરોસો. સમાજમાં અસંખ્ય ટ્રસ્ટ કાર્યરત હોય છે, જે પૈકી મોટાભાગના ટ્રસ્ટ સમાજોપયોગી એટલે કે કલ્યાણકારી પ્રવૃતિઓ ચલાવતાં હોય છે અને માણસની જિંદગીને બહેતર બનાવી સમાજમાં સારપની ખુશ્બો પ્રસરાવતાં હોય છે. પરંતુ ટ્રસ્ટના સંચાલનમાં નાણાંની ભૂમિકાઓ મુખ્ય હોવાથી તેમાં અનિયમિતતાઓ અથવા ગેરરીતિઓની પણ શકયતાઓ મૌજૂદ હોય છે. આવું ન બને તે માટે તમામ ટ્રસ્ટ પર સરકારની બાજનજર હોવી આવશ્યક છે, પરંતુ હકીકત શું હોય છે ?! તે જાણવું પણ જરૂરી છે.
એક કાચા અંદાજ અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં આશરે 6,000 જેટલાં વિવિધ પ્રકારના ટ્રસ્ટ નોંધાયેલા છે. આ તમામ ટ્રસ્ટ શું પ્રવૃતિઓ કરે છે ? તેઓની આવકના સ્ત્રોત શું છે ? તેઓના હિસાબો શું હોય છે ? આ ટ્રસ્ટોમાં વિદેશોમાંથી કેટલાં રૂપિયા દાન સ્વરૂપે આવી રહ્યા છે ? વગેરે બાબતો સમાચારના રૂપમાં વાચકો સુધી પહોંચાડવા Mysamachar.in દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.
Mysamachar.in દ્વારા જામનગરની ટ્રસ્ટ નોંધણી કચેરીને લેખિતમાં પૂછવામાં આવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટો પૈકી એવા ટ્રસ્ટોની યાદી આપવામાં આવે જે ટ્રસ્ટો વિદેશોમાંથી ફંડ એટલે કે દાન પ્રાપ્ત કરતાં હોય.
અચરજની વાત એ છે કે, જામનગર ટ્રસ્ટ નોંધણી કચેરી પાસે આવી કોઈ અલગથી યાદી નથી ! એવું ખુદ આ કચેરીએ Mysamachar.inને જણાવ્યું છે. આ ટ્રસ્ટ નોંધણી કચેરીને ધારો કે વડી કચેરીએથી આ વિગતો પૂછવામાં આવે તો, કચેરીએ એક એક ટ્રસ્ટના હિસાબો તપાસવા પડે!! જામનગર શહેર અને જિલ્લાના નોંધાયેલા ટ્રસ્ટોમાં દર વર્ષે વિદેશોમાંથી કેટલું નાણું ઠલવાઈ રહ્યું છે ? અત્યાર સુધીમાં આવેલાં કુલ નાણાંનો હિસાબ, આ નાણાંનો કયાં, શું ઉપયોગ થયો ? નાણું યોગ્ય પદ્ધતિએ આવ્યું છે કે કેમ ? નાણાંનો ઉપયોગ મિલકતોની ખરીદીઓમાં થયો છે કે કેમ ? વગેરે પ્રકારની કોઈ જ વિગતો આ સરકારી કચેરી પાસે અલગથી, હાજરમાં નથી !!
આ તમામ કરોડો રૂપિયાના હિસાબો નિયમિત રીતે ઓડિટ થાય છે કે કેમ ? આ સંદર્ભમાં કેટલાં ટ્રસ્ટોને નોટિસ આપવામાં આવી.? અથવા પૂછપરછ કરવામાં આવી ?! વગેરે કોઈ જ વિગતો ટ્રસ્ટ નોંધણી કચેરી પાસે અલગથી ઉપલબ્ધ નથી !! આ સ્થિતિમાં વડી કચેરી જામનગરની કચેરીની વાર્ષિક કામગીરીઓની સમીક્ષા કેવી રીતે કરતી હશે ?! સમગ્ર રાજયમાં આવું ચાલતું હશે ?! આ આખી પ્રોસેસમાં ક્યારેય કોઈ અનિયમિતતાઓ કે ગેરરીતિઓ ઝડપાઈ છે કે કેમ ?! તે વિગતો પણ ક્યારેય જાહેર થતી નથી ! બધું વ્યવસ્થિત ચાલે છે એમ માની લેવું ? કે જે ચાલી રહ્યું છે એમાં અંદર ઘણું બધું ચાલી રહ્યું હોય શકે, એમ માની લેવું ?! એ પણ પ્રશ્ન લેખી શકાય.