Mysamachar.in:જામનગર
દર વર્ષે કાળઝાળ ગરમીનાં દિવસોમાં, ખાસ કરીને મે મહિનામાં આપણે ત્યાં વીજવપરાશમાં જબ્બર વધારો થતો હોય છે. જામનગર સહિત રાજ્યભરમાં વીજમાંગમાં તોતિંગ ઉછાળો નોંધાતો હોય છે. આ સિઝનમાં ખેતી માટેની વીજમાંગ ઘટવા પામતી હોય છે છતાં ગરમીનો સામનો કરવા લોકોને પુષ્કળ વીજળીની જરૂર રહેતી હોય છે. જેનાં આંકડાઓ ખૂબ મોટાં છે. સમગ્ર રાજયની વાત કરીએ તો, પાછલાં માત્ર 100 કલાકમાં જ, રાજ્યમાં વીજમાંગમાં અંદાજે 2,300 મેગાવોટનો રાક્ષસી વધારો જોવા મળ્યો છે ! બેફામ ગરમીને કારણે વધેલી આ માંગને કારણે વીજકંપનીઓ હાંફી રહી છે.
જામનગર સહિત રાજ્યભરમાં હીટવેવને કારણે પંખા, એસી અને કૂલર રાતદિવસ ધમધમી રહ્યા છે. ઠંડા પદાર્થોની પણ જબ્બર માંગ હોય, આ પદાર્થોનું તાપમાન નીચું લઈ જવા અને નીચું જાળવી રાખવા – કરોડો યુનિટ વીજળી ખર્ચ થઈ રહી છે. ગત્ 7મીએ રાજયની વીજ માંગ 17,947 MW હતી જે 10મી મે ની સ્થિતિએ વધીને 20,235 MW થવા પામી છે. બે દિવસથી ગરમી વધુ આકરી બની હોય, આ માંગ હજુ પણ વધી રહી છે. રાજ્યમાં ઘણાં બધાં વિસ્તારોમાં તાપમાનનો પારો 43-44 ડિગ્રી આસપાસ રહેતો હોય, ગરમીનાં સામના માટે લોકો પુષ્કળ વીજ ખર્ચ કરી રહ્યા છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો, PGVCLનાં અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે કે, આ મે મહિનામાં આપણે ત્યાં દૈનિક 20 MW વીજળી એપ્રિલની સરખામણીમાં વધુ વપરાશ થતો જોવા મળી રહ્યો છે. એ જ રીતે GETCO નાં કાર્યપાલક ઇજનેર કહે છે : એપ્રિલ મહિનામાં આપણાં જિલ્લાનો સરેરાશ વપરાશ 298 MW હતો, જે લગભગ દોઢગણો થઈ મે મહિનામાં લગભગ 438 MW જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપની વીજનુ ટ્રાન્સમિશન કરે છે. જયારે PGVCL વીજનુ વિતરણ કરે છે. GETCO કહે છે: યુનિટની ભાષામાં જોઈએ તો, પહેલી મે ની સ્થિતિએ 68 લાખ 10,000 યુનિટની જરૂરિયાત હતી. જે ગરમીને કારણે વધીને આજે 1 કરોડ 5,000 યુનિટ જેટલી એટલે કે લગભગ દોઢ ગણા જેટલી થવા પામી છે.