Mysamachar.in:જામનગર
બાળકો વિરુદ્ધનાં (ખાસ કરીને બાળકીઓ અને સગીરાઓ) સેક્સ્યુઅલ અપરાધોની સંખ્યા ચિંતાજનક રીતે ગુજરાતમાં સતત વધી રહી છે ! અને સાથેસાથે ગમગીન મુદ્દો એ છે કે, આ આરોપીઓ પૈકી માત્ર તેર-ચૌદ ટકા જેટલાં આરોપીઓ દોષિત ઠેરવી શકાય છે. કુલ ફરિયાદોમાં બનાવટી ફરિયાદો કેટલી હોય શકે ? તેનું પણ સંશોધન થવું જરૂરી લેખી શકાય. 2014માં ગુજરાતમાં ‘પોકસો'( protection of children from sexual offence Act)ની 613 ફરિયાદ નોંધાઈ હતી, જે પૈકી કુલ 5 આરોપી દોષિત ઠર્યા હતાં. 45 ફરિયાદ અદાલતમાં નીકળી ગઈ હતી. ફરિયાદોનો આંકડો 2014થી સતત વધતો રહ્યો છે. 2021માં 2,443 ફરિયાદો નોંધાઈ હતી જે પૈકી 454 ફરિયાદો અદાલતમાં નિકાલ પામી. અને, કુલ 71 આરોપીઓને ‘દોષિત’ઠેરવી શકવામાં સફળતા મળી હતી. ગુજરાતમાં સામાન્ય રીતે દર 100 આરોપીઓ પૈકી 13-14 આરોપીઓને દોષિત ઠેરવી શકાય છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ આંકડો 100 એ 33નો છે.
આ કાયદો કેન્દ્ર સરકારે 2012માં અમલી બનાવ્યો. ત્યારબાદ દેશમાં કુલ 733 ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થઈ. જે પૈકી 413 કોર્ટ માત્ર ‘પોકસો’ કેસ ચલાવે છે. આ અદાલતોએ અત્યાર સુધીમાં 1,24,000 કેસ નિપટાવી દીધાં. આ અદાલતોમાં 1,93,000 કેસ પડતર છે ! પાછલાં આઠ વર્ષ દરમિયાન ગુજરાતમાં પોકસોની કુલ 14,522 ફરિયાદ રેકર્ડ પર આવી. જો કે આ બધાં જ કેસ અદાલતોમાં પહોંચ્યા નથી. ઘણાં બધાં કેસમાં આરોપીઓ અદ્રશ્ય છે ! ઘણાં કેસ સમાધાનથી પૂર્ણ થયાં. આ સમય દરમિયાન કુલ 1,563 કેસ અદાલતમાં નિપટી ગયા. 18,194આરોપીઓની ધરપકડ થઈ. જેમાં 2014 પહેલાંનાં કેસનાં આરોપીઓ પણ છે. આ તમામ કેસોમાં કુલ 267 આરોપીઓ દોષિત ઠર્યા છે. 18,000 આરોપીઓની ધરપકડ પછી, પોલીસે જાહેર કરેલાં કાગળો જણાવે છે કે, આ આરોપીઓ પૈકી 231 આરોપી ગુનેગાર હોવાનું જણાયું છે.