Mysamachar.in:ગાંધીનગર
જામનગર હોય કે અમદાવાદ, સુરત હોય કે વાંકાનેર – ચોમાસામાં સર્વત્ર જલભરાવ જોવા મળે છે. જલભરાવને કારણે લાખો લોકોએ હાલાકી વેઠવી પડે છે. લાખો રૂપિયાની નુકસાની થવા પામે છે. પરંતુ જલભરાવ મુદ્દે રાજ્યમાં અત્યાર સુધી ક્યાંય ગંભીરતા જોવા મળતી નથી ! હવે પાણી નાક સુધી પહોંચી ચૂકયુ છે. સરકાર સફાળી જાગી છે. જલભરાવ નિયંત્રણ પણ એક મુદ્દો છે, જે સરકારે હવે સ્વીકાર્યું છે.
તાજેતરમાં રાજ્યનાં મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થતાં જલભરાવ મુદ્દે લંબાણથી ચર્ચાઓ થઈ. આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર રાજ્યમાં જલભરાવ નિયંત્રણ માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવશે. આ માટે રાજ્યનાં મુખ્ય સચિવનાં અધ્યક્ષપદે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવશે. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, આ ચોમાસામાં રાજ્યભરમાં લગભગ દરેક શહેરમાં જલભરાવ થતાં કરોડો લોકો પરેશાન થયાં, લોકોએ કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડી. આ બધી જ ફરિયાદો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે. તેઓએ આ ફરિયાદો અને રજૂઆતોને ગંભીર લીધી છે. રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, જલભરાવ મુદ્દે સરકાર ગંભીર બની અને પરિણામલક્ષી પગલાં લેવા તરફ આગળ વધી રહી છે.
મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રચાનારી આ ઉચ્ચસ્તરીય કમિટીની રચનામાં શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ, નાણાં વિભાગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને નગરપાલિકા નિયામક વિભાગનાં અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ કમિટીની રચના માટે સરકાર નોટિફિકેશન બહાર પાડશે. જલભરાવ નિયંત્રણ માટે લાંબા ગાળાનું આયોજન હાથ ધરશે. રાજ્યભરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. આ ચોમાસામાં જલભરાવ દરમિયાન ઘણાં લોકો અને હજારો વાહનો પાણીમાં ડૂબ્યા તથા તણાયા છે.