Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં કોલેજોમાં રેગિંગ, ખાસ કરીને મેડિકલ કોલેજમાં રેગિંગ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો રહ્યો છે. જેને પગલે ઘણાં છાત્રો તથા છાત્રાઓ આપઘાત કરી જિંદગી પણ ટૂંકાવી લેતાં હોય છે. આથી વડી અદાલતે આ મુદ્દે સુઓમોટો કાર્યવાહીનાં ભાગરૂપે સુનાવણી દરમિયાન સરકારને કેટલાંક તીખાં પ્રશ્નો પૂછયા. વડી અદાલતે સરકારને પૂછ્યું : રેગિંગની ઘટનાઓ બાદ સરકારની ભૂમિકા શું હોય છે ? સરકારે નિયમો બનાવ્યા છે ? નિયમો અનુસાર કાર્યવાહી થાય છે ? તેનાં શું પરિણામો મળ્યા છે ? અને, આવી રેગિંગની ઘટનાઓ રોકવા મુદ્દે શું કામગીરી કરવામાં આવી રહી છે ? વગેરે પ્રશ્નો સરકારને પૂછવામાં આવ્યા છે.
આ ઉપરાંત રેગિંગની ફરિયાદો પર સરકારે લીધેલાં પગલાંની વિગતો પણ અદાલતે માંગી છે. અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં તો એવાં પણ બનાવો બનતાં રહે છે કે, સિનિયર તબીબો, જૂનિયર તબીબો પાસે પોતાના ઘરનાં કામો કરાવતાં હોય છે ! અને, પરીક્ષાઓ સમયે જૂનિયર તબીબોને નાઈટ ડ્યુટી આપવામાં પણ સિનિયર તબીબો ભૂમિકાઓ ભજવતાં હોય છે જેને પરિણામે જુનિયર તબીબો પારાવાર માનસિક યાતના અનુભવતાં હોય છે, આપઘાત પણ કરી લેતાં હોય છે ! વડી અદાલતે આ સુઓમોટો કેસની વધુ સુનાવણી આગામી ત્રીજી મે નાં દિવસે નિર્ધારિત કરી છે.