Mysamachar.in-રાજકોટ
માણસોની માનસિકતા દિનબદિન કેવી થતી જાય છે, જેમાં અમુક કિસ્સાઓ તો એવા હોય છે કે જે વિચારતા કરી દે છે, રાજકોટ શહેરમાં આવો જ એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેરના રૈયારોડ પર આવેલી કરીયાણાની દુકાનમાં નોકરી કરતા શખ્સે તેના શેઠની પત્નીને બે વખત કોઇપણ કામવગર ફોન કરી પજવણી કરી હતી, મહિલાએ પતિને રાવ કરતા તેને નોકરીમાંથી કાઢી મુકાતા એ શખ્સે મહિલાને એક જ દિવસમાં 10 બીભત્સ વીડિયો મોકલીને હદ વટાવી દેતા કંટાળેલ મહિલાએ પોલીસની મદદ લીધી છે,
મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે ભરતનું નામ આપ્યું હતું. તેમના પતિને રૈયારોડ પર કરીયાણાની દુકાનમાં ભરત સહિત 3 લોકો નોકરી કરતા હતા. 24 જુલાઇના ભરતએ પોતાના શેઠના પત્નીને મોબાઇલ પર ફોન કર્યો હતો અને મહિલાને તમે ક્યાં છો તેમ પૂછ્યું હતું, મહિલાએ ફોન કરવાનું કારણ પૂછતા ભરતે ‘બસ તમારી સાથે વાત કરવા ફોન કર્યો છે’ તેમ કહ્યું હતું, મહિલાએ કામ વગર ફોન કરવાની ના કહી ફોન કાપી નાખ્યો હતો, મહિલાએ આ અંગે પતિને રાવ કરતા તેના પતિએ ભરતને નોકરીમાથી તગેડી મૂક્યો હતો.
નોકરીમાંથી કાઢી મુકાયો હોવા છતાં પાંચેક દિવસ પૂર્વે ભરતએ ફરીથી મહિલાને ફોન કર્યો હતો, મહિલાએ ફરીથી ફોન કરવાની ના કહી તેનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. ભરત આટલાથી અટક્યો નહોતો અને તા.20ને શુક્રવારે સવારે મહિલાને દસ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં મોકલ્યા હતા, ભરતના ત્રાસથી કંટાળી જઈને અંતે મહિલાએ પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.