Mysamachar.in:વડોદરા:
તમે ટ્રેનના કોઈ કોચમાં બેઠાં હો, તમારો કોચ ટ્રેનથી છૂટો પડી જાય, અંતરિયાળ ઉભો રહી જાય, બાકીની ટ્રેન જતી રહે…..તો તમને કેવું ફીલ થાય ?! કોઈ ફિલ્મનાં શૂટિંગની વાત નથી, કાલે મંગળવારે બપોરે આમ બન્યું છે ! આ આશ્ચર્ય જન્માવે તેવી ઘટના અમદાવાદ-વડોદરા ટ્રેન સાથે બની હતી. ટ્રેનના કોચને એકમેક સાથે જોડતું ક્પ્લર તૂટી જતાં આમ બન્યું હતું. છૂટાં પડી ગયેલાં ડબ્બાઓ અંગે એન્જિન ચાલકને છેક ત્યારે ખબર પડી જ્યારે ટ્રેન પોતાનાં સ્ટેશન પર પહોંચી ગઈ ! અને, ટ્રેનના ગાર્ડની આ ઘટના પછીની ભૂમિકા શું રહી ?! તે જાહેર થયું નથી.
અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન (નં.19036) સાથે આ ઘટના બની હોવાનું જાહેર થયું છે. આ ઘટનાને પગલે, સંખ્યાબંધ ટ્રેનોએ વિલંબથી દોડવું પડ્યું. પંદર હજારથી વધુ મુસાફરો પરેશાન થયાં. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે વચ્ચેની ઘણી ટ્રેનો ને આ કારણથી અસરો પહોંચી. દરમિયાન, છૂટાં પડી ગયેલાં ડબ્બાઓને અન્ય એન્જિન દ્વારા લગત સ્ટેશને પહોંચાડવામાં આવ્યા. આ સમગ્ર ઘટના અંગે રેલ્વેનાં PRO પ્રદીપ શર્મા કહે છે: અડધે રસ્તે રઝળી પડેલાં મુસાફરોનાં કોચીઝને સાંજે 05/30 વાગ્યે નજીકનાં સ્ટેશને પહોંચાડવામાં આવ્યા અને બે કોચ વચ્ચેનાં તૂટી ગયેલાં જોઈન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે જામનગર ઈન્ટરસિટી 20 મિનિટ વિલંબથી દોડાવવી પડી હતી. આ ઉપરાંત શતાબ્દી એક્સપ્રેસ સહિતની કુલ એક ડઝન ટ્રેનોના સમયમાં ફેરફાર થયો હતો.