Mysamachar.in:ગાંધીનગર
રાજ્યનાં વિજિલન્સ કમિશન દ્વારા વર્ષ 2021નો રિપોર્ટ હવે જાહેર કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, વિવિધ સરકારી વિભાગો તથા બોર્ડ નિગમો વિરુદ્ધ લોકોને ખૂબ જ અસંતોષ છે. દર વર્ષે હજારો ફરિયાદો નોંધાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સરકારી વિભાગો તથા બોર્ડ નિગમો વિરુદ્ધ આ વર્ષમાં કુલ 11,226 ફરિયાદો તકેદારી આયોગને મળી છે. સરકારી વિભાગો પૈકી શહેરી વિકાસ વિભાગ વિરુદ્ધ સૌથી વધુ 2,659 ફરિયાદો મળી છે. બીજા ક્રમે 1,603 ફરિયાદો સાથે મહેસૂલ વિભાગ છે. પોલીસ ખાતાનો ક્રમ છેક ત્રીજો છે !
આ ઉપરાંત બોર્ડ અને નિગમોની વિગતો અનુસાર, સૌથી વધુ 170 ફરિયાદો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ છે. બીજા ક્રમે PGVCL છે, જેનાં વિરુદ્ધ 92 ફરિયાદ છે. જીઆઇડીસી ત્રીજા ક્રમે છે. વિજિલન્સ કમિશનને જે કુલ ફરિયાદો મળી છે તેમાં ભ્રષ્ટાચાર ઉપરાંત ગેરરીતિઓ અને સતાના દુરૂપયોગની ફરિયાદોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ જાહેર થયા બાદ તાજેતરમાં વિજિલન્સ કમિશનર સંગીતાસિંઘે જામનગર જિલ્લની પણ મુલાકાત લીધી હતી.