Mysamachar.in:ગાંધીનગર
‘ખાખી’ એટલે પોલીસ – એ માન્યતા અત્યાર સુધી ચાલી. હવે તેમાં ફેરફાર થશે. યુનિફોર્મથી માંડીને બૂટની ડિઝાઈન અને ક્વોલિટીમાં ફેરફાર કરીને ગુજરાત પોલીસને નવો લુક આપવાની તૈયારીઓ જોરશોરથી આગળ વધારવામાં આવી રહી છે. જો કે પોલીસનો લુક બદલ્યા પછી, ‘પોલીસ’ માં કોઈ પરિવર્તન આવશે કે કેમ ? તે પ્રશ્ન હાલ અસ્થાને છે ! લુક બદલશે, એટલું હાલ નક્કી છે.
ગુજરાત પોલીસનો પરંપરાગત ખાખી ડ્રેસ બદલી જશે. નવો પોષાક વિચારવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ માટે ઈન્ટરનેશનલ બ્રાન્ડનાં બૂટ લાવવા પણ વિચારણા ચાલી રહી છે. પોલીસનો હાલનો ખાખી ડ્રેસ બહુ ચુસ્ત છે. ગરમીનાં દિવસોમાં પોલીસ યુનિફોર્મ અકળામણ પેદાં કરે છે. ટેરીકોટનનો હાલનો ડ્રેસ પોલીસ માટે યોગ્ય નથી, એવી દલીલો થઈ રહી છે. તેનાં સ્થાને ખૂલતું પેન્ટ આવી શકે છે. શર્ટ તથા પેન્ટ લશ્કર માફ્ક ટપકાંવાળા લાવવાની દિશામાં સતાવાળાઓ આગળ વધી રહ્યા છે. પછી પોલીસનો લુક લશ્કર જેવો દેખાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસનાં જવાનો અને અધિકારીઓ ગુનાનાં સ્થળે વધુ ચપળતાથી ફ્રન્ટલાઈન પોષાકમાં સજ્જ રહી કામ કરી શકે તે માટે આ ફેરફાર લાવવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ માટે સર્વશ્રેષ્ઠ બૂટ પસંદ કરવા આ માટેની સમિતિ હાલ કેટલીક નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ પર વિચારણા કરી રહી છે. બાદમાં તમામ પોલીસ જવાનોને પણ બેસ્ટ બૂટ મળી શકે છે. ગૃહ વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, હાલમાં નાગાલેન્ડ રાજ્યમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યાં પોલીસ જવાનો અને અધિકારીઓને પારંપરિક ડ્રેસ બદલી ખૂલતાં શર્ટ અને કાર્ગો પેન્ટ આપવામાં આવ્યા છે. આ નવો યુનિફોર્મ પોલીસને વધુ અનુકૂળ આવી રહ્યો છે.
ગુજરાત પોલીસ માટે સુતરાઉ મિશ્રિત કાપડના લાંબી બાંયો ધરાવતાં શર્ટ અને ટ્રાઉઝર્સ (પેન્ટ) અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ સૂચિત યુનિફોર્મ પોલીસને વધુ અનુકૂળ રહેશે, એવી ભલામણ અગાઉ કરવામાં આવી હતી જેનાં આધાર પર આ ફેરફારો આવી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, સૂચિત નવા ડ્રેસમાં અધિકારીઓ માટે શર્ટ પર સ્ટાર્સના બદલે ફ્લેગ આવી શકે છે. જે આર્મી જેવો લુક આપશે. આ ફ્લેગ એમ્બ્રોઈડરીથી બનાવવામાં આવશે એમ ડીજીપી કચેરીનાં એક અધિકારીએ જણાવ્યું છે.