Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતનાં મતદારોએ ગત્ વિધાનસભા ચૂંટણીમાં શાસકપક્ષને ખોબે ખોબે મત આપ્યા, મતદારોને એમ હતું કે આ રીતે મત આપવાથી ફાયદો થશે ! પરંતુ મતદારોને વધુ એક વખત છેતરાઈ ગયાનો અહેસાસ થાય છે ! કેમ કે, સરકાર તરફથી બજેટમાં પણ કોઈ જ રાહત મળવા પામી નથી.
ગુજરાત સરકારને રાજ્યમાંથી વેરાઓની જે માથાદીઠ આવક મળી રહી છે તે સતત વધી રહી છે ! તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે, સરકારની તિજોરી છલકાઈ રહી છે, મતદારોનાં ખિસ્સા ખાલી થઈ રહ્યા છે ! રાજ્યમાં વસતિ સતત વધતી રહી છે ત્યારે પણ સરકારની માથાદીઠ આવક વધી રહી છે, મતલબ સરકાર ગુજરાતમાં ચિક્કાર કમાણી કરી રહી છે !
તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં ટેકસ વધાર્યો નથી એ મુદ્દાની ગાઈ વગાડીને જાહેરાત કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, પાંચ વર્ષ પહેલાં ગુજરાતની વસતિ 6.79 કરોડ હતી ત્યારે ગુજરાત સરકારની માથાદીઠ આવક રૂ.11,799 હતી. આજે પાંચ વર્ષ પછી રાજયની વસતિ વધીને 7.24 કરોડ થઈ છે છતાંયે સરકારને માથાદીઠ આવક રૂ.19,191 થશે એવો 2023/24 નો અંદાજ છે !
હજુ તો જંત્રીના દરોમાં બમણો વધારો જેવી આવકો સરકારે બજેટમાં દર્શાવી નથી ! છતાં સરકારની માથાદીઠ આવક આટલી તોતિંગ જાહેર થવા પામી છે, કલ્પના કરો વાસ્તવિક રીતે સરકાર ગુજરાતમાંથી કેટલું તોતિંગ નાણું 2024 નાં માર્ચ સુધીમાં કમાઈ લેશે ?! શાસકપક્ષને 156 બેઠકો આપવાનાં બદલામાં મતદારોને સરકાર તરફથી રિટર્ન ગિફ્ટ આપવામાં આવી રહી છે એવું પણ જાણકારો કટાક્ષમાં કહી રહ્યા છે !