Mysamachar.in-રાજકોટ
સરકાર ગમે તેવા કાયદાઓ બનાવે પણ ફૂટલાં કર્મચારીઓ અને અધિકારીઓ અરજદારોને તેમાંથી છટકબારીઓ બતાવી અને લાંચ લે છે અને સરકારનો પગાર લેવા છતાં સરકાર સાથે ગદ્દારી કરે છે, એવામાં રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ સ્ટેટ GSTના અધિકારી વિક્રમ દેવરખીભાઇ કનારા અને વર્ગ 3 નો કર્મચારી અજય શીવશંકરભાઇ મહેતાની શહેરના ભુતખાના ચોક પરથી રૂ.3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે.
આ કેસમાં ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન આરોપી વિક્રમ કનારા અને અજય મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતા, ફરીયાદી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ બન્ને આરોપીએ વચેટિયા મનસુખલાલ હીરપરા મારફતે ફરીયાદી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી.
જે બાદ રકજકના અંતે આરોપીએ મળી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.4 લાખની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે GSTના બન્ને દીધેલ અધિકારી વતી વચેટિયા મનસુખલાલ હીરપરાએ રૂ.50 હજાર ફરિયાદી પાસેથી લીધા હતા. અને બાકી રહેતા રૂ.3.50 લાખની ત્રણેય આરોપી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરતા હતા. પરંતુ ફરીયાદી આવી રકમ આપવા માંગતા ન હતા. તેથી તેણે ACBમાં ફરીયાદ કરતા ACB દ્વારા ગોઠવાયેલ લાંચના છટકામાં ત્રણેય આરોપીની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરવામાં આવી હતી.