Mysamachar.in:ગાંધીનગર
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણાં સરકારી દવાખાનાઓ એવાં હોય છે જ્યાં કેટલીક દવાઓ અને ઈન્જેકશનની અવારનવાર અથવા કાયમી અછત રહેતી હોય છે. અને, ઘણાં સરકારી દવાખાનાઓ એવાં પણ હોય છે જે દવાઓ અને ઈન્જેકશન ગૂમ કરી નાખવા મુદ્દે , ખાનગીમાં કુખ્યાત પણ હોય છે ! હવે ‘ગૂમ’ થતી દવાઓ અને ઈન્જેકશનનું પગેરૂં તપાસવામાં આવશે, એવું જાણવા મળે છે.
રાજ્યનાં આરોગ્ય વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ દ્વારા આરોગ્ય કેન્દ્રો અને સરકારી દવાખાનાઓને સૂચના આપવામાં આવી છે કે, હવેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલાં તમામ સરકારી દવાખાનામાં તથા આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને જે દવાઓ આપવામાં આવે છે તેનું સંપૂર્ણ રજિસ્ટર રોજેરોજ અપડેટ કરી, તેની તમામ વિગતો રાજય સરકારનાં પોર્ટલ પર રોજેરોજ અપલોડ કરવાની રહેશે.
આ સૂચના ખૂબ મહત્વની છે. આ સૂચનાનો અક્ષરસઃ અમલ થશે અને તમામ એન્ટ્રીની જો વ્યવસ્થિત ચકાસણી થશે તો, સરકારી દવાખાનાઓમાંથી ‘ગૂમ’ થતી દવાઓ અને ઈન્જેકશનની વિગતો સરકાર સુધી પહોંચી જશે અને ઘણાં લોકોની સાઈડ આવક પર પણ બ્રેક લાગી જશે. અધિક મુખ્ય સચિવે આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ સંબંધે પણ સરકારી દવાખાનાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તાજેતરમાં ગાંધીનગર તાલુકાના આદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા ત્યારે પોતાના સેક્રેટરી મારફતે આ સૂચનાઓ તેઓએ રાજ્યભરના સરકારી દવાખાનાઓને આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વિવિધ રાષ્ટ્રીય યોજનાઓ અને રાજય સરકારની યોજનાઓનાં લાભો છેવાડાના લાભાર્થીઓને પહોંચે તે સૌએ જોવું પડશે.