Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર આગામી જૂનથી શરૂ થઈ રહેલાં નવા શૈક્ષણિક સત્રથી રાજ્યમાં 400 જેટલી જ્ઞાનસેતુ સહિતની ખાસ પ્રકારની શાળાઓ શરૂ કરવાની યોજના પર આગળ વધી રહી છે પરંતુ આ યોજનામાં દરેક કોળિયે માખી આવી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે ! હૈયાત શાળાઓએ વાંધાવચકા શરૂ કર્યા છે. સરકારે વાંધાઓ નિપટાવવા સમિતિ રચી પરંતુ સમિતિની પ્રથમ બેઠક અનિર્ણિત રહી, ફરીથી બેઠક યોજાશે.
સરકાર રાજ્યભરમાં હોશિયાર વિદ્યાર્થીઓને અલગ તારવી રહી છે. તે માટે પ્રવેશ પરીક્ષાઓનું પણ આયોજન થયું. આ સરકારી પ્રવેશપ્રક્રિયા RTE કાયદાની વિરુદ્ધ છે એવો પણ વાંધો ઉઠ્યો. જો કે સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. પછી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ વિરોધનો ઝંડો ફરકાવ્યો. આ શાળા સંચાલકો કહે છે, સરકારની આ જ્ઞાનસેતુ સ્કૂલ્સ યોજના અન્ય શાળાઓનો મૃત્યુઘંટ વગાડશે. રાજ્યભરમાં ઉઠેલા આ વિરોધને દબાવી દેવા તથા શમાવી દેવા, સરકારે 25 સભ્યોની સમિતિ રચી. આ સમિતિમાં ઘણાં બધાં પક્ષકારોને સામેલ પણ કરી લેવામાં આવ્યા. બાદમાં, બુધવારે આ સમિતિની પ્રથમ બેઠક મળી. આ બેઠક અનિર્ણિત રહી. સમિતિની બેઠકમાં ઘણાં બધાં વાંધાઓ રજૂ થયા. આખરે સમિતિએ નિર્ણય કરવો પડ્યો કે, સમિતિની હવે પછીની બેઠક આગામી શનિવારે યોજવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, 25 સભ્યોની આ સમિતિનાં વડા તરીકે, રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાંચેરમેન એ.જે.શાહ છે. આ સમિતિમાં શાળા સંચાલક મંડળનાં હોદેદારો, શિક્ષક સંઘનાં હોદેદારો અને રાજ્યનાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય શાળા વહીવટી સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ- આ બધી સંસ્થાઓ રાજ્યમાં જ્ઞાનસેતુ સ્કૂલ્સની યોજનાનો વિરોધ કરી રહી છે.