Mysamachar.in-વડોદરા:
ચૂંટણી નજીક આવતાં કેટલાંક નાનાં કદનાં નેતાઓ અને કાર્યકરો રંગમાં આવી જતાં હોય છે ! તેઓ જાહેરમાં શું બફાટ કરે છે ?! તેનો પણ તેઓને ખ્યાલ રહેતો નથી. અને પછી, આ બફાટ વાયરલ થતાં જ તેઓને નિવેદનો ફેરવી તોળવા પડતાં હોય છે, ઘણાં કિસ્સાઓમાં થૂંકેલું ચાટવું પણ પડતું હોય છે. એક વાયરલ વીડિયોને કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વાત વડોદરા જિલ્લાની છે.ભાજપના એક ધારાસભ્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાની સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર વિવાદમાં આવ્યા છે. યુવા સંમેલનમાં ઈનામદારે યુવાનોને એવું કહ્યું કે, પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું.
એક સભા દરમિયાન વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આવી એક વાત કરી અને તેમાં આપેલું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. કેતન ઈનામદારે યુવા સંમેલનમાં યુવાનોને કહ્યું કે, પોલીસ પકડે અને લાયસન્સ ન હોય તો ચિંતા ન કરતા. કેતન ઈનામદારે યુવાનોને એવું પણ કહ્યું કે, પોલીસ પકડે તો કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. સાથે જ એવું કહ્યું કે, માત્ર સાવલી જ નહીં રાજ્યના કોઈ પણ પોલીસ સ્ટેશનની પોલીસ પકડે તો મારું નામ આપી દેજો. તમારે લાયસન્સની જરૂર નહીં પડે. કેતન ઈનામદારોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કેતન ઈનામદારે સાવલી પોલીસ સ્ટેશન જઈને યુવાનોના ડીટેઈન કરવામાં આવેલા વાહનો પણ છોડાવ્યા.જે બાદ ચર્ચા જાગી છે કે ધારાસભ્ય આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન, આ ધારાસભ્યે મીડિયા સમક્ષ સ્વબચાવમાં એમ કહ્યું છે કે, આમાં કાયદો હાથમાં લેવાની કોઈ વાત નથી. મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે, સાવલી મતવિસ્તારની કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ ફસાઈ જાય, મુશ્કેલીમાં મૂકાઈ જાય અને આધાર પુરાવાની જરૂર પડે ત્યારે એમ કહીને સત્તાવાળાઓને ખાતરી કરાવી શકે કે, તે વ્યક્તિ સાવલી મતવિસ્તારની છે અને કેતન ઈનામદારને ત્યાંથી આવે છે. એ અર્થમાં, ઓળખાણનાં અર્થમાં મેં આમ કહ્યું હતું. ટૂંકમાં, વીડિયો વાયરલ થતાં ધારાસભ્યે બચાવમાં ઘણી સ્પષ્ટતાઓ મીડિયા સમક્ષ આપવી પડી છે. કેતન ઈનામદારનો આ વીડિયો સમગ્ર રાજ્યમાં ભારે વાયરલ થયો છે.