Mysamachar.in:જામનગર
જામનગર મનપાનો સોલીડ વેસ્ટ વિભાગ સોલીડ ગોટાળા માટે માસ્ટર છે, અને ચોપડે ચકરડા ચીતરવાનો પણ…! આવા જ કેટલાક કુંડાળા પૈકીનું એક કુંડાળું એટલે જામનગરના ગુલાબનગર નજીક ડમ્પિંગ સાઈટ પર લીગેસી વેસ્ટને નામે કરોડોના બીલ પાસ કરાવવાનો સમગ્ર મામલો… જે અંગે “માય સમાચાર” દ્વારા સિલસિલાબધ અહેવાલ રજુ કરવામાં આવ્યા હતા, અને સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ આ પ્રકરણ અંગે ગોળ ગોળ જવાબો આપી અને સમગ્ર મામલે ઢાક પીછાડો કરી અને કોન્ટ્રાકટર પાર્ટી સહીત લાગતા વળગતા સૌની વકીલાત કરતા હોવાના સ્ફોટક અહેવાલો કમિશ્નર ડી.એન.મોદી સુધી પહોચતા તેવાઓએ આ કામ ના થયા જેવું છે તેના અંદાજે 3 કરોડના બીલો શંકાસ્પદ માની અટકાવી દીધા છે અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લેતા આ પ્રકરણ માટે ડીએમસી ભાવેશ જાનીના વડપણ હેઠળની તપાસ કમિટીનું ગઠન કર્યું છે.
વાત એવીં છે કે ગુલાબનગર ડમ્પિંગ સાઈટ પર લીગેસી વેસ્ટને પ્રોસેસિંગની કામગીરી વૈભવી કન્સ્ટ્રકશનને મળી હતી જેના કામ થયું ના થયું જેવું થયું અને કરોડોના બીલ પાસ કરવા માટે મૂકી દેવામાં આવ્યા હતા જે અંગે Mysamachar.in દ્વારા પણ મુદ્દાસર વિગતો ઉજાગર કરવામાં આવી હતી જે બાબતે નાયબ કમિશ્નર બી.એન.જાનીની અધ્યક્ષતામાં 6 સભ્યોની કમિટીનું ગઠન કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે, જે કમિટીમાં ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ, ચીફ ઓડીટર કોમલ પટેલ, અને જેના વિભાગ સામે એટલે કે સોલીડ વેસ્ટ વિભાગ સામે આક્ષેપ છે તે વિભાગના મુકેશ વરણવા, નાયબ કાર્યપાલક ઈજનેર અને કાયમી આ પ્રકરણને મીડિયામાં આવતું છાવરનાર દીપક શિંગાળા, અને જુનીયર ઈજનેર મીકેનીકલને આ સમગ્ર મામલે દિવસ 7માં વૈભવી કન્સ્ટ્રકશન કંપનીએ ખરેખર શું કામ કર્યું છે તેનો હકીકતલક્ષી અહેવાલ માંગતા ખળભળાટ મચી ગયો છે.
પણ જાણકારો કહે છે કમિટીમાં અન્ય સભ્યો તો ઠીક પણ જેના વિભાગ સામે આક્ષેપ છે તેનો જ સીધો કમિટીમાં સમાવેશ કરવો તટસ્થ તપાસને અવરોધનારું બનશે તેવું પણ માનવામાં આવે છે. ખરેખર હકીકતલક્ષી અહેવાલ બનાવવો હોય તો આ વિભાગના અધિકારીઓનો કમિટીમાં સમાવેશ ના થવો જોઈએ.