Mysamachar.in-સાબરકાંઠા
એટીએમમાં છેડછાડ કરી ટ્રાન્ઝેક્શન પૂરૂ થાય તે પહેલા પૈસા કાઢી લેવાની મોડસ ઓપરેન્ડી વાળી મેવાતી ગેંગ ફરી એકવાર હિંમતનગરમાં કાંડ કરે તે પહેલા બી ડિવિઝન પોલીસે હરિયાણા પાસીંગની શંકાસ્પદ કારમાંથી એકને ઝડપી પૂછપરછ કરતાં તાજેતરમાં હિંમતનગરમાં અને અગાઉ ગાંધીનગર તથા આણંદમાં એટીએમ સાથે છેડછાડ કરી લાખોની ચોરી કબૂલાત કરી હતી. તાજેતરમાં હિંમતનગરના ન્યાયમંદિર રોડ પર પંજાબ એન્ડ સિંધ બેન્કના એટીએમની કેશમાં રૂ. 5,86,500 નો ઘટાડો થયાની બાબત બહાર આવ્યા બાદ ફૂટેજ ચેક કરતાં ત્રણેક શખ્સોએ ઉપયોગમાં લીધેલ એટીએમ કાર્ડના એકાઉન્ટમાંથી નાણાં કપાયા ન હતા.
પરંતુ એટીએમ કેશમાં કપાત થઇ હતી એટીએમમાં નવા પ્રકારે થયેલ ચોરીને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને નવી ઓપરેન્ડીથી ગુના આચરનારાઓનુ પૃથક્કરણ કરતાં હરિયાણાની મેવાતી ગેંગ સક્રીય હોવાનુ ધ્યાને આવ્યુ હતું. પોલીસે મળેલી બાતમીના આધારે ઝકરૂદ્દીન અબ્દુલ રહેમાનની પૂછપરછ કરતાં તેની વર્તણૂક શંકાસ્પદ જણાતાં કારમાં તપાસ હાથ ધરતાં સફેદ ચાવીઓ, 15 એટીએમ, ડીસમીસ મળી આવતા અટકાયત કરી પૂછપરછ કરતાં અન્ય ત્રણ સાગરિતો સાથે મળી ન્યાયમંદિર વિસ્તારમાં પંજાબ એન્ડ સિંધ બેંકમાં રૂ. 5,86,500 તથા આણંદ અને ગાંધીનગરમાં એટીએમમાંથી ચોરીની કબૂલાત કરી હતી.
મેવાતી ગેંગના સભ્યો કોઇ પણ એટીએમમાં ઘૂસી મશીન કઇ કંપનીનુ છે તેની ચકાસણી કરે છે. DIEBOLD કંપનીનુ મશીન હોય તો જ નિશાન બનાવે છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર એટીએમમાંથી પૈસા કાઢવા દરમિયાન ટ્રાન્ઝેક્શન પુરૂ થાય તે પહેલા મશીનનો પાવર ઓફ કરી દે છે જેથી પૈસા હાથમાં આવી જાય છે પરંતુ ખાતામાંથી કપાતા નથી. આમ ચોક્કસ કંપનીના એટીએમ મશીનો જ્યાં હોય તેને જ ટાર્ગેટ કરતા આ ગેંગની એક શખ્સ પોલીસના હાથમાં આવી જતા વધુ ગુન્હાનો ભેદ ઉકેલાઈ છે કે કેમ તે જોવાનું છે.