mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજયમાં ૯૮ હજાર કર્મચારીઓનું સંગઠન ધરાવતા ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ આવતી કાલથી પોતાની વિવિધ માંગણીને લઈને પોતાની ફરજ થી વંચિત રહીને કામ કરવાનું અચોક્કસ માટે બંધ કરવાનું એલાન કર્યું છે મુખ્યમંત્રીને આજે આવેદનપત્ર આપવા છતાં નિર્ણય ન આવતા ના છુટકે મધ્યાહન ભોજન કેન્દ્ર પર કામગીરી બંધ કરવાનો કર્મચારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે,
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના દ્વારા નવું મેનુમાં નાસ્તાની જોગવાઈમાં અલગથી જથ્થો તેમજ પેશગી આપવી,નવું મેનૂ આવવાથી કામની કલાક વધી જવાથી પૂર્ણ રોજગારી આપી લઘુતમ વેતન મુજબ વેતન વધારો કરવો,સાધન સામગ્રી આપવી,એન.જી.ઑને આપેલા કેન્દ્રો રદ કરવા,પગાર સમયસર આપવો,કૂકિંગ કોસ્ટમાં વધારો કરવાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશી આગેવાની હેઠળ લડત ચલાવવામાં આવી રહી છે અને ગઇકાલે ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
પરંતુ પ્રશ્નનું નિરાકરણ ન આવતા અંતે આવતી કાલે તા.૨૧ થી રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અચોક્કસ મુદ્દત માટે મધ્યાહન ભોજનની કામગીરીથી વંચીત રહેવાની ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ ચીમકી આપી છે,
જામનગર જીલ્લામાં મધ્યાહન ભોજન સંચાલક મંડળના આશરે ૨ હજાર કર્મચારીઓ છે ત્યારે લાલપુર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના અને દ્વારકા જીલ્લાના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાશે નહીં આથી આ જીલ્લામાં આંદોલનના કાર્યક્રમની અસર જોવા મળશે નહીં ત્યારે જામનગર જીલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા ગરીબ વર્ગના બાળકોને નિયમિત ભોજન મળશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે.