Mysamachar.in:જામનગર
જામનગરના દરેડ ઉદ્યોગનગર ફેઈઝ-3 ખાતે, રાજકોટ-ખંભાળિયા બાયપાસ નજીક, આગામી 4 થી 7 જાન્યુઆરી દરમ્યાન વધુ એક વખત ઔદ્યોગિક મેળો આયોજિત કરવામાં આવ્યો છે. આ મેળાનું આયોજન GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન તથા લઘુઉદ્યોગભારતી દ્વારા કરવામાં આવ્યું છે. આ મેળો 50,000 સ્કવેર મીટર જમીન પર આયોજિત થશે, જેમાં 13 વિશાળ ડોમ હશે. કુલ 300 જેટલાં સ્ટોલ હશે, એમ એસોસિએશને પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે.જામનગરના બ્રાસ ઉદ્યોગના 10,000થી વધુ ઉદ્યોગકારો આ મેળામાં પોતાના ઉદ્યોગ સંબંધિત આધુનિક મશીનરીઓ નિહાળી શકશે. આ મશીનોની ટેકનોલોજી જાણી શકશે. મશીનોનું લાઈવ ડેમોન્સ્ટ્રશન જોઇ શકશે. તેમાંથી ઘણું જાણી શકશે, પોતાના બિઝનેસનો વિકાસ કરી શકશે.
આ પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને લઘુઉદ્યોગભારતીના પ્રમુખ રાજેશભાઈ ચોવટીયા ઉપરાંત એસો.ના મંત્રી વિશાલ લાલકીયા, સહમંત્રી વિપુલ હરિયા, ખજાનચી દિનેશ નારીયા, ઈવેન્ટ ચેરમેન જીગ્નેશ વિરાણી તથા વાઈસ ચેરમેન કેતન બોરસદીયા વગેરે હાજર રહ્યા હતાં અને પત્રકારોને આ મેળા સંબંધે વિગતો અને જાણકારીઓ આપી હતી.અંદાજે બે મહિનાથી આ બન્ને સંસ્થાઓના કારોબારી સભ્યો તથા અન્ય સભ્યોની 50 થી 60 ની ટીમ આ આયોજનને સફળ બનાવવા મહેનત કરે છે. આ આયોજનને સફળ અને વ્યાપક બનાવવા જુદી જુદી સરકારી અને અન્ય એજન્સીઓ તેમજ સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવ્યો છે.
સહયોગી સંસ્થાઓ: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો, ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ભારત સરકારનું MSME મંત્રાલય, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, જામનગર તથા રાજકોટની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, જામનગર એકઝીમ મર્ચન્ટ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન, મશીન ટુલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન,ઈલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન,શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લોધીકા GIDC એસોસિએશન, જામનગર સહકારી ઉદ્યોગ સંઘ, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનરેટનો સહયોગ પ્રાપ્ત થયો છે.
ગુરૂવારે સવારે 09-30 કલાકે ખીજડા મંદિર આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજના આશીર્વચન સાથે કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદઘાટન પામનારા આ ઔદ્યોગિક મેળામાં ત્રણ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મ્યુ. કમિશનર ડી.એન.મોદી તથા એસપી પ્રેમસુખ ડેલુ વગેરે ઉપસ્થિત રહેશે.