Mysamachar.in-રાજકોટ
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, અને જેમાં લોકોને ફસાવી અને બાદમાં નાણા ખંખેરવાનો સિલસિલો શરુ થાય છે, ક્યાંક મિત્રતાના નામે તો ક્યાંક એકાંત માણવા લઇ જવાનું કહી લોકોને હનીટ્રેપની માયાજાળમાં ફસાવવાના આવા જ વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે, જેમાં સિક્યુરિટી ઇન્ચાર્જને ફોન પર ફ્રેન્ડશિપ કરવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો હતો. મહિલાની સાથે જઇ રહેલા યુવકને અન્ય ત્રણ શખ્સોએ આંતરી અવાવરું સ્થળે લઇ જઇ રૂ.2.50 લાખની માગ કરી હતી.
જામનગર રોડ પરની અવધ રેસિડેન્સિમાં રહેતા સિક્યુરિટી એજન્સીના એક 31 વર્ષીય યુવકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા સહિત ચાર શખ્સોના નામ આપ્યા હતા. તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.10ની રાત્રીના 2.30 વાગ્યે પોતે સિક્યુરિટી ગાર્ડને ચેક કરવા માટે બાઇક પર જતો હતો ત્યારે તેના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ મનીષા તરીકે આપી હતી અને ફ્રેન્ડશીપની ઓફર કરી હતી અને જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો.
રાત્રે 3.15 વાગ્યે સિક્યુરીટીમેન બાઇક લઇને ત્યાં પહોંચતા મનીષા નામની તે મહિલાએ તેની ફ્રેન્ડનું મકાન ખાલી છે ત્યાં જવાનું કહી યુવકના બાઇક પાછળ બેસી ગઇ હતી. મોરબી રોડ પર અતિથિ દેવો ભવ હોટેલ નજીક પહોંચતા મહિલાએ લઘુશંકા જવાનું કહી બાઇક ઊભું રખાવ્યું હતું અને તે થોડે દૂર લઘુશંકા કરવા ગઇ હતી અને થોડીવારમાં જ ત્રણ શખ્સ ધસી આવ્યા હતા, તું મારી બહેનને લઇને ક્યાં જાશ તેમ કહી ગાળો ભાંડી તેની પાસેથી બાઇક અને બે ફોન લૂંટી લીધા હતા, મહિલાને લઇને અશ્વિન નાસી ગયો હતો જ્યારે અનીલ અને દિલીપ ઉર્ફે દિલો યુવકને બાઇકની વચ્ચે બેસાડી બેડી તરફ લઇ ગયા હતા અને ત્યાં એક ઓરડીમાં લઇ જઇ રૂ.2.50 લાખની માગ કરી હતી અને પૈસા નહી આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.
જે બાદ સિક્યુરીટીમેને એટીએમના ખાતામાં થોડી રકમ હશે તેમ કહેતા બંને શખ્સો તેને ફરીથી બાઇકની વચ્ચે બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલ પંપ પાસેના એટીએમે લઇ ગયા હતા. પૈસા ઉપાડતી વખતે મોકો મળતા જ ત્યાં હાજર લોકોને ઘટનાની જાણ કરતાં લોકોએ અનિલ અને દિલીપને ઝડપી લઇ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને ઉઠાવી પોલીસ મથકે લઇ ગઇ હતી.અને આ ટોળકીએ અન્ય કોઈને પણ પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.