Mysamachar.in-ગુજરાત:
ચૂંટણીઓ અગાઉ તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આંબાઆંબલીઓ દેખાડતાં હોય છે, વચનો આપતાં હોય છે, રાહતો આપતાં હોય છે અને પોતે સરકાર બનાવશે તો ફલાણી રાહત અથવા સબસિડી અથવા સહાય આપશે, વગેરે..વગેરે..જાહેરાતો થતી રહેતી હોય છે. થોડાં સમય અગાઉ ખુદ વડાપ્રધાને આવા વચનોને ‘મફત રેવડી’ ગણાવ્યા હતાં. હવે આ ‘મફત રેવડી’ શબ્દ ચલણી બની ગયો છે અને આ મુદ્દે પુષ્કળ ઉહાપોહ થતાં આ મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં છે અને સુનાવણીઓ થઈ રહી છે.
સુપ્રિમ કોર્ટમાં એમ કહેવાયું છે કે, રાજકીય પક્ષો તરફથી ચૂંટણીઓ અગાઉ મતદારોને મફત રેવડીઓ વહેંચવી એ એક ભ્રષ્ટ આચરણ છે. અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ આ ‘લાંચ’ છે. આ રેવડી કલ્ચર ચૂંટણીઓ રદ ઠેરવવાનો આધાર બની શકે છે, લોકોને આવી રેવડીઓ વેંચતી રાજકીય પાર્ટીઓનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવું જોઈએ અને આવા પક્ષોની માન્યતા રદ કરવી જોઈએ એવી માંગ કોર્ટ સમક્ષ થઈ છે.
સુપ્રિમ કોર્ટમાં 3 જજની બનેલી બેન્ચ સમક્ષ આ મતલબની અરજીઓ આવી છે. બુધવારે તેની સુનાવણી થઈ હતી અને આજે પણ આ અરજીઓની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. આ અનુસંધાને ચૂંટણીપંચને પોતાની સતાનો ઉપયોગ કરવા અંગે નિર્દેશો આપવામાં આવે એવી માંગ સુપ્રિમ કોર્ટ સમક્ષ થઈ છે.આ કેસમાં અરજદાર તરફથી હાજર રહેલાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની આ બેન્ચ સમક્ષ કહ્યું કે, બાલાજી વિરુદ્ધ તામિલનાડુ અને અન્યના કેસમાં સર્વોચ્ચ અદાલતની બે જજની બેન્ચના 2013ના ચુકાદા પર પુનઃવિચાર કરવાની જરુર છે.
સર્વોચ્ચ અદાલતે 2013માં ઉપરોકત ચુકાદામાં કહેલું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123માં નિર્ધારીત પરિમાણોની તપાસ અને વિચારણા કર્યા પછી, તે નિષ્કર્ષ પર આવ્યા કે, આ કલમ ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનોને જાહેર કરવા પૂરતી છે. આ કલમ ભ્રષ્ટ આચરણ સંબંધે નથી. વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ આ કેસમાં કહ્યું: સર્વોચ્ચ અદાલતનો ઉપરોકત ચુકાદો સાચો કાયદો નથી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 હેઠળ લાંચને ભ્રષ્ટ વ્યવહાર ગણવામાં આવે છે.
‘લાંચ’ શબ્દને ઉમેદવાર અથવા તેના એજન્ટ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉમેદવાર અથવા તેના કોઈ એજન્ટની સંમતિથી, મતદારને તેની ઉમેદવારી માટે પુરસ્કાર તરીકે પ્રેરિત કરવાના હેતુથી આપેલ કોઈ પણ ભેટ, ઓફર અથવા વચન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ આ મફત રેવડીઓને લાંચ અથવા ભ્રષ્ટ વ્યવહાર ગણાવતી દલીલો અદાલતમાં થઈ. આજે પણ આ સુનાવણી આગળ વધી રહી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(1)(a) ના અર્થમાં આ રાજકીય વચનો એક પ્રકારની લાંચ સિવાય બીજું કશું નથી, જે એક ભ્રષ્ટ પ્રથા છે. આ કલમમાં જો શરતો પૂરી થાય છે તો તે, કલમ 100(1)(b) હેઠળ ચૂંટણીને અમાન્ય જાહેર કરવા માટેનું કારણ છે.