Mysamachar.in:ગાંધીનગર
ઘણાં બધાં લોકો એમ માને છે કે, જંત્રીના દરો બમણાં થયાં એ પહેલાં આપણે, પંદર એપ્રિલ પહેલાં, કામ પૂર્ણ કરી લીધું. હવે શાંતિ. અને ઘણાં લોકો એમ પણ માને છે કે, અગિયાર વર્ષ પછી જંત્રીના દરોની સમીક્ષા થઈ ગઈ. દરો બમણાં થયાં. હવે આ બાબતમાં શાંતિ. પરંતુ હકીકત એ છે કે, ખરી અને મોટી નવા-જૂની હવે શરૂ થશે ! 15 જૂનથી જામનગર સહિત રાજ્યભરમાં જંત્રીના દરો તાર્કિક બનાવવા, સર્વે શરૂ થશે. રાજ્યનાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરીનાં અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, આગામી 12-14 જૂન દરમિયાન રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ છે. ત્યારબાદ એટલે કે 15 જૂનથી રાજ્યભરમાં જંત્રીના દરોમાં વધારો ઘટાડો કરવા માટે નવેસરથી સર્વે શરૂ થશે. આ સર્વે બાદ જંત્રીના દરોમાં બે ગણો જ નહીં, કેટલાંક વિસ્તારોમાં છ ગણો વધારો પણ થઈ શકે છે !
જંત્રીના દરો નક્કી કરવા માટે અગાઉ રાજ્યભરમાં હજારો વેલ્યુઝોન નક્કી કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સરકારે વેલ્યુઝોન ઘટાડ્યા છે. મહાનગરોમાં વેલ્યુઝોનની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. એટલે કે એક વેલ્યુઝોનમાં અગાઉની સરખામણીએ વધુ વિસ્તારોનો સમાવેશ થશે. એટલે અમુક વિસ્તારોમાં જંત્રીના દરોમાં વધારો થશે ! આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, 15 જૂનથી જામનગર સહિત રાજ્યભરમાં જંત્રીના દરો નક્કી કરવા સર્વે માટે ધડાધડ ટીમો ઉતરશે. વર્ષ 2011માં જંત્રીના દરો નક્કી થયા ત્યારે વેલ્યુઝોનની સંખ્યા 22,757 હતી. હાલમાં આ સંખ્યા 16,566 છે. શહેરો મોટાં બન્યા છે પણ વેલ્યુઝોનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સર્વે અલગ રીતે થયો છે.
જંત્રીના દરો બમણાં કરવામાં આવ્યા છે તે ટૂંકા સમય માટેની વ્યવસ્થા છે. નવા જંત્રી દરો અમલમાં મૂકવા રાજ્યનાં ગ્રામીણ વિસ્તારોમાં સર્વે કામગીરી પૂર્ણ થવામાં છે. અને 15 જૂનથી શહેરી વિસ્તારોમાં આ સર્વેક્ષણ કામગીરી શરૂ કરવામાં આવશે. જામનગર જેવાં મહાનગરો અને નાનાં શહેરોમાં એકથી વધુ વેલ્યુઝોનના કારણે જંત્રીદરોમાં વિસંગતતાઓ ધ્યાનમાં આવી છે. આથી વેલ્યુઝોનની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જંત્રીના દરો નક્કી કરવા ઘણાં બધાં પરિબળો ધ્યાનમાં લેવામાં આવતાં હતાં. હવે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે, 1 – રસ્તાની પહોળાઈ, 2 – કુદરતી કે માનવસર્જિત પરિબળો અને, 3 – જમીનનો વપરાશ. મેથડોલોજી અને પરિબળોમાં બદલાવથી જંત્રીના દરોમાં બે થી માંડીને છ ગણા સુધીનો વધારો થઈ શકે છે ! એમ પણ માનવામાં આવે છે.
નગરપાલિકાઓમાં 15 થી 30 જૂન સુધી સર્વે કામગીરી થશે. મ્યુ. કોર્પોરેશન તથા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળનાં વિસ્તારોમાં 15 જૂલાઈથી 15 ઓગસ્ટ સુધી સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે. મહેસૂલ અને ટેકનિકલ કેડરના અધિકારીઓ અને કર્મચારીઓ આ સર્વેક્ષણ રિપોર્ટ મામલતદાર કચેરીમાં સબમિટ કરશે. મામલતદાર ઉપરાંત ડેપ્યુટી કલેકટર કક્ષાએથી સર્વેક્ષણનું ક્રોસ વેરીફીકેશન થશે. સર્વેક્ષણ કામગીરી દરમિયાન ટાઉન પ્લાનિંગ તથા જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં ડીપી નકશા મુજબ સર્વે કામગીરી કરવામાં આવશે. જંત્રીના દરોમાં જે વિસંગતતાઓ ધ્યાનમાં આવી છે તેને દૂર કરવા વેલ્યુઝોનની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે, એવું સૂત્રોનાં હવાલાથી જાણવા મળે છે.