Mysamachar.in-પંચમહાલ
કેટલાય વન્યજીવોનો ઉપયોગ તાંત્રિકવિધિ માટે કેટલાય લોકો તસ્કરી કરીને કરે છે, ત્યારે આવા તત્વો પર પોલીસ અને વનવિભાગની નજર હોય છે, અને આવા શખ્સો જો ઝડપાઈ જાય તો તેના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહીઓ પણ કરવામાં આવતી હોય છે, એવામાં પંચમહાલ જીલ્લામાં કાચબાની તસ્કરી ઝડપી પાડવા ખુદ વનવિભાગના અધિકારીએ સાધુનો વેશ ધારણ કરી અને રેકેટ ખુલ્લું પાડ્યું છે, પંચમહાલના રાજગઢના જંગલોમાં તાંત્રિક વિધીનું મસમોટું ષડયંત્ર ચાલતું હોવાની બાતમી મળતા સામાજીક સંસ્થાના કાર્યકર્તા સાથે મળી વનવિભાગના એક ઓફિસર સાધુનો વેષ ધારણ કરી આરોપીઓ સાથે મળી તાંત્રિક વિધીમાં સામેલ થયા હતા. જ્યાં તાંત્રિક વિધી માટે શિડ્યુલ-1માં આવતા ચાર કાચબા આવતા જ સ્ટેન્ડ બાય રહેલી વનવિભાગની ટીમે દરોડો પાડી વન્યજીવોની હેરાફેરી કરનાર મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
શિડ્યુલ-1માં આવતા પશુ-પક્ષીઓની હેરાફેરીમાં માઉસિંગ બારીયાનું નામ ખુલ્યું હતું. દરમિયાન માઉસિંગ પાસે કાચબા આવ્યાં હોવાની બાતમી સંસ્થાને મળી હતી.સંસ્થાએ આ બાતમી મળતા જ તેની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. અને પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વિધી કરવાની હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ માઉસિંગ વિધી માટે કાચબા સપ્લાય કરવા માની ગયો હતો. વનવિભાગના એક અધિકારીએ વિધી કરાવનાર સાધુનો વેશ ધારણ કર્યો હતો,આ ઉપરાંત વનવિભાગના એક ગાર્ડે પણ વેશપલટો કર્યો હતો.આ બંનેની સાથે સંસ્થાના 4 વોલેન્ટિયર તાંત્રિક વિધીમાં ભાગ લેવાના હતાં.
મુખ્ય આરોપી માઉસીંગ બારીયા અને તેના મળતીયા ગોવિંદ પટેલીયા, પ્રદિપ બારીયા, રણજીત બારીયા અને ભરત બારીયા હાજર હતાં. તેમને તાંત્રિક વિધી માટે શિડ્યુલ-1માં આવતા ચાર કાચબા કાઢતા પુજામાં બેઠેલા સંસ્થાના વ્યક્તિએ ‘કાચબા આવી ગયા છે’ તેવો મેસેજ કરતા વિધિના સ્થળે થી થોડે દુર જ ઉભેલી વનવિભાગ અને સંસ્થાની બીજી ટીમ વિધીના સ્થળ પર ત્રાટકી હતી. જેમાં માઉસિંગ સહિત 5 આરોપીઓની 4 કાચબા, બે તલવાર,ધારીયું અને છરા સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી કરી હતી.
























































