Mysamachar.in-રાજકોટ
આમ તો ક્યારેક ક્યારેક રાજ્યમાં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ થતું હોવાના કિસ્સાઓનો પર્દાફાશ હોસ્પિટલોમાંથી થતો રહે છે, પણ આ વખતે હોસ્પિટલ નહિ પરંતુ એક મકાનમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપરીક્ષણના રેકેટને મહિલા કોન્સ્ટેબલે નકલી ગ્રાહક બની ખુલ્લું પાડી દેતા સમગ્ર શહેરમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, રાજકોટ શહેરના રૈયા રોડ પરના કનૈયા ચોકમાં આવેલા મકાનમાં ચાલતા ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી એક મહિલાને ઝડપી તેની પુછ્પરછ કરતા ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર ત્યક્તા મકાનમાં ગર્ભપરીક્ષણનું મશીન અને સાધનો રાખી આ ગોરખધંધા ચલાવતી હતી. આ રેકેટમાં અન્ય એક મહિલા સહિત કેટલાક શખ્સોની સંડોવણીની શંકા સેવાઇ રહી છે, આ રેકેટને ઉઘાડું પાડવા કોન્સ્ટેબલ શાંતુબેન ડમી ગ્રાહક બન્યા હતા અને એક શખ્સને તેના પતિ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
ગેરકાયદે ક્લિનિક ચલાવતી સરોજ સુબ્રમણ્યમ ડોડિયાની માહિતી મળતાં મહિલા પોલીસ શાંતુબેન મુળિયાએ તેનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને પોતાને એક પુત્રી છે, અને હાલમાં સગર્ભા હોય પુત્ર ન હોય તો ગર્ભપાત કરાવવો છે, તેવી વાત કરી ગર્ભપરીક્ષણ કરાવવાનું કહેતા સરોજે રૂ.20 હજાર કહ્યા હતા અને રકઝકના અંતે રૂ.18 હજારમાં સોદો નક્કી થયો હતો. રાત્રિના નવેક વાગ્યે સરોજ ડમી પેશન્ટ શાંતુબેનને પોતાની ક્લિનિકે લઇ ગઇ હતી અને શાંતુબેનનું પરીક્ષણ શરૂ કરતાં જ શાંતુબેને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપતા સરોજ ભાગવા ગઇ હતી, જોકે મહિલા કોન્સ્ટેબલે તેને ઝડપી લીધી હતી પોલીસે સ્થળ પરથી ગર્ભપરીક્ષણનું મશીન, દવા અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સરોજ ડોડિયાની અટકાયત કરી હતી.
પોતાના ગોરખધંધાનો પર્દાફાશ થાય નહી તે માટે ક્લિનીકે કોઇપણ પ્રકારનું બોર્ડ લગાવ્યું નહોતું એટલું જ નહી કોઇ અજાણી મહિલા સાથે આ અંગે વાતચીત પણ કરતી નહોતી, અગાઉ જેટલી મહિલાઓનું ગર્ભપરીક્ષણ કર્યું હોય તેવી કોઇ વ્યક્તિની ભલામણ આવે તો જ સરોજ અજાણી મહિલા સાથે ગર્ભપરીક્ષણની વાતો કરતી હતી, પણ અંતે આ ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે.