mysamachar.in-જામનગર
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જામનગર જીલ્લાના ધ્રોલ અને જોડીયા સહિતના તાલુકોઓ અછ્તગ્રસ્ત જાહેર કર્યા બાદ અમુક તાલુકામાં ઓછો વરસાદ પડેલ હોવા છતાં આ તાલુકાઓનો અછતગ્રસ્ત તાલુકામાં સમાવેશ ન થતાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો..પાછળથી સરકારની ઉંધ ઉડતા ખાસ પેકેજની જાહેરાત કરીને વધુ તાલુકાઓનો સમાવેશ કરવાની ફરજ પડી હતી,
રાજય સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં હજુ ક્યાકને ક્યાક અન્યાય અને અસંતોષની જ્વાળા લબકારા મારતી હોય તેમ આજે જામનગર પ્રદર્શન મેદાન ખાતે વિશાળ સંખ્યામાં મળેલ ખેડૂતો અને માલધારી મહાસંમેલનમા જોવા મળી છે.ખેડૂતો અને માલધારીઓની વિવિધ સમસ્યા અને જામનગર તાલુકાના ૧૦૨ જેવા ગામોને અછ્તગ્રસ્તમાં સમાવેશ કરવાની માંગણી સાથે જામનગર તાલુકા સરપંચ સંગઠન અને અખીલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા આજે વિશાળ મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓ ઉમટી પડીને સરકારની આંખ ઉધાડવાનો પ્રયાસ આ સંમેલન થકી કરવામાં આવ્યો છે,
આજે યોજાયેલ વિશાળ સંમેલનમાં આ વર્ષે તાત્કાલિક પાક વીમો ચૂકવવા, ખેડૂતોને દિવસે વીજળી, ફરીથી જમીનોના રિસર્વે, માલધારીઓને ફરતો ધાસચારો અને પાણી, રાહત કામો, પીવાના પાણીની સમસ્યા, ખેતીવાડીના વીજ કનેકશન યુનિટ દર સિવાય હોર્ષ પાવર દીઠ ૪૦ રૂપિયા લેવામાં આવે છે તે રદ કરવા સહિત ૧૧ માંગણીઓ સાથે ખેડૂતો વિશાળ રેલી યોજીને નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું,અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો કરવાની પણ ચીમકી અપાઈ છે,આમ આજે જામનગર તાલુકા ખેડૂતો અને માલધારીઓના દ્વારા અન્યાય સામે લડી લેવોનું મન બનાવીને શક્તિ પ્રદર્શન કરતાં ક્યાકને ક્યાક સરકાર સામે હજુ ખેડૂતોમાં નારાજગીના સુર જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આવા સંમેલનોથી સરકારને ચેતી જવાની જરૂર હોય તેમ પણ લાગી રહ્યું છે.