Mysamachar.in:ગાંધીનગર
ખેડૂતોને અમે હથેળીમાં રાખીએ છીએ અને ખેડૂતોની આવક બમણી કરી છે અમે તથા ખેડૂતોનાં ખેતરોમાં ડોલર ઉગશે એ પ્રકારનાં વચનો સાથેસાથે એવો પ્રચાર થતો રહે છે કે, ખેડૂતોને સિંચાઈમાં વીજળીનો હવે કોઈ પ્રશ્ન નથી. પરંતુ શુક્રવારે વિધાનસભા ગૃહમાં જે કાંઈ બન્યું તેનાથી સરકારને નીચાજોણું થયું કેમ કે, ખુદ શાસકપક્ષના સભ્યે પોતાની સરકારને કઠેડામાં ઉભી કરી દીધી !
કાલે શુક્રવારે વિધાનસભા ગૃહમાં વર્ષ 2022/23ની પૂરક માંગણીઓની ચર્ચા ચાલી રહી હતી ત્યારે, ડભોઇના ભાજપાનાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ચર્ચામાં ભાગ લેવા ઉભાં થયાં અને ખેડૂતોને દિવસે વીજળીનો મુદ્દો ઉઠાવી તેઓએ સરકારને ઘેરી લીધી !
ભાજપાનાં આ ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ રીતે કહ્યું : ભાજપાની સરકારે અગાઉ ખેડૂતોને ઠંડી વરસાદ અને હિંસક પ્રાણીઓથી રક્ષણ મળે તે માટે તેમને દિવસે વીજળી આપવાની જાહેરાત કરેલી પરંતુ આ વચન માત્ર જાહેરાત બનીને રહી ગયું છે. ખેડૂતોને હજુ આજેય ફક્ત રાત્રે જ વીજળી આપવામાં આવે છે, એમ તેઓએ ઉમેર્યું.
આ તકે કોન્ગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ચર્ચામાં ઝૂકાવતા કહ્યું : રાજ્યમાં વીજ ઉત્પાદનનો ખર્ચ નીચો રાખીને પ્રતિ યુનિટ રૂ.3.50 નાં દરે વીજ ઉત્પાદન શક્ય હોવા છતાં, તેમજ બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાંથી પણ સસ્તા દરે વીજળી મેળવવી શક્ય હોવા છતાં- સરકાર પ્રતિ યુનિટ રૂ.11 થી 13 નાં દરે વીજળીની ખરીદી કરી રહી છે. આ ઉપરાંત તેઓએ પ્રધાનમંત્રી બિમા ફસલ યોજના સહિતનાં મુદે સરકાર પર પ્રહારો કર્યા હતા.