Mysamachar.in:વડોદરા
એક કમનસીબ પરિવારનો મંગલ પ્રસંગ અમંગળ ઘટનાનો ભોગ બન્યો છે. બે વાહનો વચ્ચેની જીવલેણ ટક્કરમાં આ પરિવારના બે લોકોનો ભોગ લેવાઈ જતાં અને અન્ય પરિવારજનોને ગંભીર ઈજાઓ પહોંચતા આ અકસ્માત સાથે સંકળાયેલા પરિવારો પર આઘાતની વીજળી ત્રાટકી છે અને પરિવારોમાં તથા અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી અને શોક વ્યાપી ગયો છે. અકસ્માતનો ભોગ બનેલાં આ આઈસર વાહનમાં 25 જેટલાં લોકો હોવાથી અને ગંભીર ઈજાઓ પામેલાં લોકોની સંખ્યા વધુ હોવાથી મોતનો આંકડો હાલ 2 છે તે મોટો થઈ શકે છે. આ અકસ્માતનો વીડિયો ભયાનક અને કરૂણ છે.
આ ગમખ્વાર અકસ્માત વડોદરા નજીકના સાકરદા ગામ નજીકથી પસાર થતાં મોકસી રોડ પર બન્યો હોવાની વિગતો સામે આવી છે. આજે સવારે એક આઈસર વાહનમાં કેટલાંક પરિવારો મોસાળું લઈને મંગલ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા હતાં ત્યારે આ ઘાતક અકસ્માત બે વાહનો વચ્ચેની ટક્કરને કારણે સર્જાયો હતો.
આઈસર વાહનમાં પચ્ચીસેક લોકો સવાર હતાં. બે થી વધુ લોકોનાં મોતનો બિનસતાવાર અહેવાલ છે. જો કે બે મોતની તો પુષ્ટિ પણ થઈ છે. હાલ લગ્નોની મોસમ ચાલી રહી હોય, આ પરિવારો આઈસર વાહનમાં જઈ રહ્યા હતાં ત્યારે આ ઘાતક અકસ્માત સર્જાઈ જતાં વડોદરા જિલ્લાના આ આંતરિક માર્ગ પર મરણચીસો ઉઠી હતી. વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. એમ જાણવા મળેલ છે કે, આઈસર વાહનમાં વધુ લોકો સવાર હોય, ઈજાગ્રસ્તોની સંખ્યા પણ મોટી હોવાને કારણે અકસ્માતની જાણ થતાં જ આઠથી દસ 108 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચાડી દેવામાં આવી અને ઘવાયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
આ સમગ્ર વિસ્તારમાં આ મોટા અકસ્માતને કારણે હાહાકાર મચી ગયો. પોલીસ પણ સ્થળ પર હાજર થઈ ગઈ છે. સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતાં. આ પરિવારોમાં બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. અકસ્માત સર્જાયો ત્યાં ઘણાં બધાં લોકો લોહીથી લથબથ હાલતમાં રસ્તા પર પડેલાં જોવા મળતાં સ્થાનિક લોકોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. એક અહેવાલ કહે છે: ઘટનાસ્થળે એક ડઝન 108 એમ્બ્યુલન્સ ઝડપભેર પહોંચાડવા તંત્રએ નોંધપાત્ર સ્ફૂર્તિ અને સંકલન દેખાડયું હતું.