Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં દિનપ્રતિદિન દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે, લફંગા યુવકોને જાણે કોઈનો ડર ન હોય તેવી સ્થિતિ રોજબરોજની બનતી જાય છે, રાજકોટમાં મિત્ર અને યુવતીના કૌટુંબિક ભાઈ દ્વારા જ દુષ્કર્મ આચર્યાની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. યુવતી દ્વારા તેના મિત્ર પાસે ઉછીના પૈસા માંગ્યા હતા જે પૈસા લેવા માટે યુવતીના મિત્રએ ઘરની બાજુમાં બોલાવી હતી અને રિક્ષામાં બેસાડી અન્ય સ્થળે લઇ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો, બાદમાં યુવતીના સગાને પણ બોલાવ્યો હતો, તેણે પણ તકનો લાભ લઇ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે, આ મામલે ભોગ બનનાર યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તે પિતા સાથે રહી અને પ્રાઇવેટ નોકરી કરે છે.
22 ફેબ્રુઆરીના રાતે પૈસાની જરૂર હોઇ તેણીએ તેના મિત્ર નૈમિષ સોલંકીને વાત કરી હતી, જેથી તેણે ફોન કરી પૈસા માંગ્યા હતાં. યુવતીને મિત્ર પાસેથી રૂ. 400 હાથ ઉછીના લેવાના હતાં. તેણે પૈસા લેવા માટે પોતે જ્યાં રહે છે એ કવાર્ટરના ચોકમાં રોડ પર આવી જવા અને પોતે રિક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. યુવતી ત્યાં જતાં રિક્ષામાં નૈમિષ સાથે બીજો એક શખ્સ પરિમલ સોલંકી પણ હતો. નૈમિષે કહેલુ કે, તું રિક્ષામાં બેસી જા, આગળ જઇને પૈસા આપુ છું, જેથી યુવતી બેસી ગઇ હતી. એ પછી રિક્ષા આસપાસના રોડ પર ફેરવી હતી અને ત્યારબાદ ઢોળા તરફ લઇ ગયા હતા, જ્યાં નૈમિષ રિક્ષાની પાછળની સીટ કાઢી યુવતીને ઢોળા પર લઇ ગયો હતો. ત્યાં બળજબરીથી સુવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પરિમલે યુવતીના કૌટુંબીક સગા હિતેષ રાઠોડને ફોન કરીને બોલાવતાં તે આવ્યો હતો. તે પણ રિક્ષાની પાછળની સીટ કાઢી ઢોળા પર લઇ ગયો હતો અને તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતી અનેક વખત આજીજી કરતી હતી અને ના પાડતી હતી છતાં માન્યો નહોતો. મારની બીકે યુવતી કંઇ બોલી શકી નહોતી. ત્યારબાદ હિતેષે યુવતીને બીજીવાર બળજબરીથી ઢોળા પર લઇ ગયો હતો અને બળજબરી કરી હતી. ફરીથી હિતેષ રિક્ષા રાખી હતી ત્યાં લાવ્યો હતો પરંતુ નૈમિષ રિક્ષા લઇને જતો રહ્યો હતો. પરિમલ ત્યાં હાજર હતો જે પછી હિતેષ અને પરિમલ યુવતીને બાઈક પર બેસાડી ઘર પાસે ઉતારી ગયા હતાં. બે દિવસ પહેલા યુવતીએ તેના બીજા મિત્ર અને પોતાના ભાઈને સમગ્ર બનાવની વાત કરી હતી, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. હાલ યુવતીની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.